- ભારતે જીત્યો એશિયા કપ 2023નો ખિતાબ
- શ્રીલંકાને 50 રન પર કર્યું ઓલઆઉટ
- ખિતાબી મેચમાં ભારતની 10 વિકેટે જીત
2023 એશિયા કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે આ જીત સાથે રેકોર્ડબ્રેક 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.
શ્રીલંકાએ 51 રનનો આપ્યો હતો ટાર્ગેટ
શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને 51 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે આ મામૂલી ટાર્ગેટને માત્ર 37 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કરી લીધો છે. શુભમન ગિલે 19 બોલમાં 27 અને ઈશાન કિશને 18 બોલમાં 23 રન બનાવીને ટીમને જીત અપાવી છે. ગિલે પોતાની ઈનિંગમાં 6 ફોર અને ઈશાન કિશને ઈનિંગમાં 3 ફોર ફટકારી હતી.
શ્રીલંકાએ બનાવ્યા માત્ર 50 રન
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રન પર ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકાના માત્ર 2 ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા હતા. ભારત માટે મોહમ્મદ સિરાઝે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.
શ્રીલંકાના 9 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પાર ન કરી શક્યા
ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના 9 ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શક્યા નથી. માત્ર કુસલ મેન્ડિસે 17 અને દુશન હેમંથાએ 13 રન બનાવીને ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો છે. સાથે પથુમ નિસાંકા 2, કુસલ પરેરા 0, સદીરા સમરવિક્રમા 0, ચરિથ અસાલંકા 0, ધનંજય ડિ સિલ્વા 4, દસુન શનાકા 0, દુનિથ વેલ્લાલાગે 8 અને પ્રમોદ મધુશન 1 રન બનાવીને આઉટ થયો હતો.
ફાસ્ટ બોલર્સે લીધી તમામ 10 વિકેટ
ફાઈનલ મેચમાં સિરાઝ સામે શ્રીલંકાના બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. દિલચસ્પ વાત તો એ છે કે, શ્રીલંકાની તમામ 10 વિકેટ ભારતના ફાસ્ટ બોલર્સે લીધી છે. એશિયા કપના ઈતિહાસમાં બીજી વખત એવું થયું છે, જ્યારે ફાસ્ટ બોલર્સે તમામ 10 વિકેટ લીધી છે. ભારત માટે મોહમ્મદ સિરાઝે 6, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી છે.