જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતની યુવા સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મહિલા સિંગલ્સની ફાઈનલમાં અનાહતનો મુકાબલો મલેશિયાની ડિફેન્ડિંગ ચેમ્પિયન સિવસાંગરી સુબ્રમણિયમ સામે થયો હતો. અનાહતને આ મેચમાં 4-11, 4-11, 7-11થી હાર મળી. માત્ર 27 મિનિટ ચાલેલી મેચમાં સિવસાંગરીએ શરૂઆતથી જ રેલીઓ પર નિયંત્રણ રાખ્યું હતું.
પહેલી બે ગેમમાં જ મલેશિયાની ખેલાડીનો દબદબો
ફાઈનલની શરૂઆતથી જ સિવસાંગરીએ આક્રમક રમત બતાવી. અનાહત માટે લાંબી રેલીઓમાં પોઈન્ટ બનાવવાનું મુશ્કેલ બન્યું અને પહેલી ગેમ મલેશિયાની ખેલાડીએ 11-4થી જીતી લીધી. બીજી ગેમમાં પણ સ્થિતિ ખાસ બદલાઈ નહીં. સિવસાંગરીએ સતત દબાણ જાળવી રાખ્યું અને બીજી ગેમ પણ 11-4થી પોતાના નામે કરી. અનાહત 0-2થી પાછળ રહી ગઈ હોવાથી મેચમાં વાપસી માટે ત્રીજી ગેમ જીતવી જરૂરી બની ગઈ હતી.
ત્રીજી ગેમમાં અનાહતે લડત આપી
ત્રીજી ગેમમાં અનાહતે પોતાની રમત સુધારી અને કેટલાક પોઈન્ટ પર સિવસાંગરીને મુશ્કેલીમાં મૂકી. જોકે મલેશિયાની અનુભવી ખેલાડીએ અંત સુધી પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું. સિવસાંગરીએ ત્રીજી ગેમ 11-7થી જીતી અને મેચ 3-0થી પોતાના નામે કરી. આ સાથે તેણે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં જીતેલું મહિલા સિંગલ્સનું ગોલ્ડ ફરી જાળવી રાખ્યું.
સેમિફાઈનલમાં અનાહતે કરી હતી અદભૂત વાપસી
ફાઈનલ સુધી પહોંચવાની અનાહતની સફર પણ શાનદાર રહી હતી. સેમિફાઈનલમાં તેનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર-6 સાતોમી વતાનાબે સામે થયો હતો. અનાહત શરૂઆતની બે ગેમ હારી ગઈ હતી અને 0-2થી પાછળ હતી. પરંતુ 18 વર્ષની ભારતીય ખેલાડીએ હાર માની નહીં. તેણે ત્રીજી ગેમ 12-10થી જીતી, ત્યારબાદ ચોથી ગેમ 11-6થી અને નિર્ણાયક પાંચમી ગેમ 11-3થી જીતીને મેચ 3-2થી પોતાના નામે કરી હતી. આ જીત સાથે તે એશિયન ગેમ્સની મહિલા સિંગલ્સ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી.
સિલ્વર સાથે અનાહતે રચ્યો ઈતિહાસ
ફાઈનલમાં હાર છતાં અનાહતનું સિલ્વર મેડલ ભારતીય સ્ક્વોશ માટે ઐતિહાસિક છે. તે એશિયન ગેમ્સની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. 2026ની એશિયન ગેમ્સમાં આ પ્રદર્શન અનાહતના વધતા કદને પણ દર્શાવે છે. તે થોડા સમય પહેલાં જ વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયન બની હતી.
ગોલ્ડ સાથે મળવાનો હતો સીધો ઓલિમ્પિક કોટા
આ ફાઈનલ માત્ર મેડલ માટે જ મહત્વની નહોતી. એશિયન ગેમ્સની મહિલા સિંગલ્સની ચેમ્પિયનને લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક્સ માટે સીધી ક્વોલિફિકેશન જગ્યા મળવાની હતી. સ્ક્વોશ પ્રથમ વખત ઓલિમ્પિક કાર્યક્રમમાં સામેલ થવાનું છે. અનાહત ફાઈનલ જીતી હોત તો તે આ સીધી ઓલિમ્પિક ક્વોલિફિકેશન મેળવનારી પ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બની શકતી હતી. જોકે સિલ્વર સાથે તેને આ સીધો કોટા મળ્યો નથી.
આ પણ વાંચો: Asian Games 2026માં અભય સિંહનો ઐતિહાસિક સિલ્વર, સિંગલ્સમાં રચ્યો ખાસ રેકોર્ડ