ભારતીય સ્ક્વોશ ખેલાડી અભય સિંહે એશિયન ગેમ્સમાં પુરુષ એકલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને પોતાના નામે ખાસ સિદ્ધિ નોંધાવી છે. જોકે, ફાઇનલ મુકાબલામાં તેમને મલેશિયાના વર્તમાન ચેમ્પિયન ઈન યોવ એનજી સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં અભયે સિલ્વર મેડલ પોતાના નામે કરીને ભારતીય સ્ક્વોશના ઇતિહાસમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે.

ફાઇનલમાં અભયને મળી હાર 

ફાઇનલમાં અભય સિંહ અને ઈન યોવ એનજી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, મલેશિયાના ખેલાડીએ શરૂઆતથી જ રમત પર પકડ બનાવી રાખી હતી. ઈન યોવ એનજીએ પ્રથમ ગેમ 11-9થી જીતી હતી. ત્યારબાદ બીજી ગેમમાં પણ તેણે અભયને 11-5થી હરાવ્યો હતો. ત્રીજી ગેમમાં પણ મલેશિયાના ખેલાડીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને 11-5થી જીત મેળવી હતી. આ સાથે તેણે 3-0થી ફાઇનલ પોતાના નામે કરી હતી.

https://x.com/ani_digital/status/2104125193837039810?s=20


સિલ્વર મેડલ જીતનારા માત્ર બીજા ભારતીય ખેલાડી

અભય સિંહ માટે ફાઇનલમાં મળેલી હાર નિરાશાજનક રહી હશે, પરંતુ સિલ્વર મેડલ તેમની કારકિર્દીની મોટી સિદ્ધિ છે. તેઓ પુરુષ એકલ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારા માત્ર બીજા ભારતીય ખેલાડી બન્યા છે. આ પહેલાં ભારતના દિગ્ગજ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલે પુરુષ એકલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.28 વર્ષના અભય માટે આ મેડલ વધુ ખાસ એટલા માટે છે કારણ કે એકલ સ્પર્ધામાં આ તેમનો પહેલો એશિયન ગેમ્સ મેડલ છે. આ પહેલાં તેમણે હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં મિશ્ર ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલે હવે અભયના નામે એશિયન ગેમ્સમાં મિશ્ર ડબલ્સનો બ્રોન્ઝ અને પુરુષ એકલનો સિલ્વર મેડલ થઈ ગયો છે.

 આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પડકાર આપી શકે છે

ભારતીય સ્ક્વોશ માટે સૌરવ ઘોષાલનું નામ લાંબા સમયથી મહત્વનું રહ્યું છે. હવે અભય સિંહે પણ પુરુષ એકલમાં સિલ્વર મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે. આ સિદ્ધિ તેમના માટે વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે અને ભારતીય સ્ક્વોશ માટે પણ એક યાદગાર ક્ષણ બની છે.ફાઇનલમાં 0-3થી હાર છતાં અભયની ટૂર્નામેન્ટની સફર સફળ રહી છે. સિલ્વર મેડલ સાથે તેમણે સાબિત કર્યું છે કે ભારતીય સ્ક્વોશમાં નવી પેઢીના ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પડકાર આપી શકે છે.

આ પણ  વાંચો-  Asian Games 2026માં અભય સિંહનો ઐતિહાસિક સિલ્વર, સિંગલ્સમાં રચ્યો ખાસ રેકોર્ડ