એશિયન ગેમ્સ 2026માં ભારતનો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી પોતાની બેટિંગને કારણે ચર્ચામાં છે. પરંતુ આ જ એશિયન ગેમ્સમાં એક એવો ખેલાડી પણ છે જે વૈભવથી 4 વર્ષ નાનો છે. જાપાનનો માત્ર 11 વર્ષનો યુકી કુરિહારા ગેમિંગમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે ઈ-સ્પોર્ટ્સની પુયો પુયો ચેમ્પિયન્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

11 વર્ષના યુકીએ ગોલ્ડ જીતી લીધો

યુકીએ 26 સપ્ટેમ્બરે પુયો પુયો ચેમ્પિયન્સની ફાઈનલમાં દક્ષિણ કોરિયાના કાંગ ડોંગશિનને 10-2થી હરાવ્યો. આ જીત સાથે તેણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. 11 વર્ષ અને 3 મહિનાની ઉંમરે ગોલ્ડ જીતનાર યુકી એશિયન ગેમ્સના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડલિસ્ટ બન્યો છે. 

ફાઈનલ સુધી પહોંચવામાં પણ જબરદસ્ત પ્રદર્શન

યુકીની સફર માત્ર ફાઈનલની જીત સુધી સીમિત નહોતી. ક્વાર્ટર ફાઈનલમાં તેણે સિંગાપોરના કોહ મુન જૂન જસ્ટિનને 5-0થી હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઈનલમાં થાઈલેન્ડના 28 વર્ષના તનરાક વોંગકિટકુનને 10-1થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. 

ફાઈનલમાં 24 વર્ષના ખેલાડીને 10-2થી હરાવ્યો

કુરિહારાની ફાઈનલમાં દક્ષિણ કોરિયાના 24 વર્ષના કાંગ ડોંગશિન સામે ટક્કર થઈ હતી. શરૂઆતમાં કાંગે પ્રથમ ગેમ જીતીને કુરિહારાને દબાણમાં મૂક્યો હતો. પરંતુ ત્યારબાદ જાપાની ખેલાડીએ જોરદાર વાપસી કરી. કુરિહારાએ એક પછી એક ગેમ જીતીને અંતે ફાઈનલ 10-2થી પોતાના નામે કરી. આ જીત એટલી એકતરફી રહી કે 11 વર્ષના ખેલાડીએ એશિયાના મોટા અને અનુભવી ખેલાડીઓ સામે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી.

6 વર્ષની ઉંમરે શરૂ કરી હતી ગેમ

યુકીએ માત્ર 6 વર્ષની ઉંમરે પુયો પુયો રમવાનું શરૂ કર્યું હતું. તેને ક્રિસમસ પર ‘પુયો પુયો ટેટ્રિસ 2’ ગેમ ભેટમાં મળી હતી. ત્યારથી તેને આ ગેમમાં રસ પડ્યો અને ધીમે-ધીમે તેણે પોતાની રમતનું સ્તર વધાર્યું. જાપાન ઓલિમ્પિક કમિટીના અહેવાલ પ્રમાણે તે હાલમાં પાંચમા ધોરણમાં ભણે છે.

આ રીતે એશિયન ગેમ્સમાં એક તરફ ક્રિકેટમાં 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી યુવા ચહેરા તરીકે ચર્ચામાં છે, તો બીજી તરફ તેનાથી પણ 4 વર્ષ નાનો 11 વર્ષનો યુકી કુરિહારા ગેમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને છવાઈ ગયો છે. બંનેની રમતો અલગ છે, પરંતુ આ એશિયન ગેમ્સમાં તેમની નાની ઉંમર ખાસ ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Asian Games 2026: અનાહત સિંહનો કમાલ, વર્લ્ડ નંબર-6ને હરાવીને ફાઇનલમાં પહોંચી