એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર દેખાવ ચાલુ છે. ભારતે થાઈલેન્ડને એકતરફી મુકાબલામાં 20-1થી હરાવીને પૂલ બીમાં સતત ત્રીજી જીત મેળવી છે. આ મેચમાં ભારતની ફોરવર્ડ દીપિકા સેહરાવતે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એકલા 9 ગોલ કરીને એશિયન ગેમ્સમાં મહિલા ખેલાડી દ્વારા એક મેચમાં સૌથી વધુ ગોલનો પોતાનો જ રેકોર્ડ સુધારી દીધો છે. દીપિકાએ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ઉઝબેકિસ્તાન સામે 8 ગોલ કર્યા હતા. ભારતે તે મેચ 19-0થી જીતી હતી. આ 8 ગોલ સાથે દીપિકાએ એશિયન ગેમ્સમાં મહિલા હોકી ખેલાડીના એક મેચમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

9 ગોલ સાથે દીપિકાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

થાઈલેન્ડ સામે દીપિકાએ શરૂઆતથી જ જોરદાર રમત બતાવી. ભારતીય ટીમે સતત થાઈલેન્ડના ગોલપોસ્ટ પર હુમલા કર્યા અને પેનલ્ટી કોર્નરનો પણ સારો ઉપયોગ કર્યો. દીપિકાની ડ્રેગ-ફ્લિક ફરી એક વખત ભારત માટે સૌથી મોટું હથિયાર બની. આ પહેલા ઉઝબેકિસ્તાન સામે દીપિકાએ 8, 22, 25, 33, 36, 38, 41 અને 54મી મિનિટે ગોલ કર્યા હતા. તે મેચમાં તેના 8 ગોલમાંથી મોટાભાગના ગોલ પેનલ્ટી કોર્નર પરથી આવ્યા હતા. થાઈલેન્ડ સામેના 9 ગોલ સાથે દીપિકાએ હવે આ રેકોર્ડને વધુ મજબૂત કર્યો છે. એટલે એશિયન ગેમ્સની મહિલા હોકીમાં એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી તરીકે તેનું નામ વધુ મજબૂત બન્યું છે.

ભારતની જીતની હેટ્રિક

ભારતીય મહિલા ટીમે આ એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ત્રણેય મેચમાં ગોલનો વરસાદ કર્યો છે. પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. ત્યારબાદ ઈન્ડોનેશિયા સામે ભારતે 17-1થી જીત મેળવી હતી. આ બંને મેચમાં પણ દીપિકા શાનદાર ફોર્મમાં રહી હતી. ઈન્ડોનેશિયા સામે તેણે હેટ્રિક કરી હતી અને ટૂર્નામેન્ટમાં બે મેચ બાદ તેના નામે કુલ 11 ગોલ થઈ ગયા હતા. હવે થાઈલેન્ડ સામે 9 ગોલ સાથે દીપિકાના ટૂર્નામેન્ટના ગોલની સંખ્યા વધુ વધી છે. ભારતે પણ ત્રણ મેચમાં 56 ગોલ કર્યા છે, જ્યારે સામેની ટીમો ભારત સામે માત્ર 2 ગોલ કરી શકી છે.

ગોલ્ડ સાથે ઓલિમ્પિક ટિકિટ પર પણ નજર

ભારતીય મહિલા હોકી ટીમનો આ એશિયન ગેમ્સમાં મુખ્ય લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતવાનું છે. દીપિકા સેહરાવતે ઉઝબેકિસ્તાન સામેના રેકોર્ડ બાદ પણ કહ્યું હતું કે, ટીમનું ધ્યાન વ્યક્તિગત રેકોર્ડ કરતાં ગોલ્ડ મેડલ પર છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી ક્વોલિફિકેશન પણ મળી શકે છે. ભારતની આગામી મેચ સિંગાપોર સામે 27 સપ્ટેમ્બરે રમાવાની છે. ત્યારબાદ નોકઆઉટ રાઉન્ડની મેચો શરૂ થશે. હાલના પ્રદર્શનને જોતા ભારતીય ટીમે પૂલ સ્ટેજમાં જ પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ASIAN GAMES 2026: 28 વર્ષ બાદ રણક્યું ભારતનું વેટલિફ્ટિંગ, કર્ણમ મલ્લેશ્વરી બાદ હવે મીરાબાઈનો વારો, 28 વર્ષની મેડલની રાહ પૂરી થઈ