ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સ 2026માં ઈતિહાસ રચી દીધો છે. મહિલાઓની 49 કિલો કેટેગરીમાં મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે એશિયન ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં ભારતનો 28 વર્ષનો મેડલનો ઈંતઝાર પૂરો થયો છે. ભારતને આ રમતમાં છેલ્લો મેડલ 1998ના બેન્કોક એશિયન ગેમ્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ સિલ્વર મેડલના રૂપમાં અપાવ્યો હતો.
28 વર્ષ બાદ રણક્યું ભારતનું વેટલિફ્ટિંગ
1951માં એશિયન ગેમ્સમાં વેટલિફ્ટિંગનો સમાવેશ થયા બાદ ભારતે અત્યાર સુધી આ રમતમાં કુલ 15 મેડલ જીત્યા છે. તેમાં 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે. જોકે ભારત હજુ સુધી એશિયન ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં ગોલ્ડ જીતી શક્યું નથી. 1998માં કર્ણમ મલ્લેશ્વરીએ 63 કિલો કેટેગરીમાં સિલ્વર જીત્યા બાદ ભારતનો આ રમતમાં મેડલનો દુકાળ શરૂ થયો હતો. હવે 28 વર્ષ બાદ મીરાબાઈ ચાનુએ આ રાહ પૂરી કરી છે. ખાસ વાત એ છે કે 1998 બાદ ભારતને વેટલિફ્ટિંગમાં ફરી સિલ્વર મેડલ મળ્યો છે. એટલે મીરાબાઈનો સિલ્વર માત્ર એક મેડલ નથી, પરંતુ ભારતીય વેટલિફ્ટિંગ માટે લાંબા સમય બાદ મળેલી મોટી સફળતા છે.
87 કિલો સ્નેચ, 111 કિલો ક્લીન એન્ડ જર્ક
49 કિલો કેટેગરીની ફાઈનલમાં મીરાબાઈએ સ્નેચમાં 87 કિલોનું શ્રેષ્ઠ વજન ઉઠાવ્યું હતું. શરૂઆતના રાઉન્ડ બાદ તેઓ મેડલની રેસમાં હતા. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં તેમણે 111 કિલો વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું અને કુલ 198 કિલો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ઉત્તર કોરિયાની રી સોંગ ગમે 215 કિલોના કુલ વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઇન્ડોનેશિયાની વિજાયાના લુલુક ડાયના ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
પહેલા પણ એશિયન ગેમ્સમાં રહી ચૂક્યો હતો અધૂરો મેડલ
મીરાબાઈ માટે એશિયન ગેમ્સની સફર સરળ રહી નથી. 2014માં ઇંચિયોન એશિયન ગેમ્સમાં તેઓ 9મા સ્થાને રહ્યા હતા. 2018ની એશિયન ગેમ્સમાં ઈજાના કારણે ભાગ લઈ શક્યા નહોતા. ત્યારબાદ 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તેઓ મેડલની નજીક પહોંચ્યા હતા, પરંતુ ચોથા સ્થાને રહ્યા હતા. ઈજાના કારણે તેઓ ક્લીન એન્ડ જર્કની છેલ્લી કોશિશ પૂરી કરી શક્યા નહોતા. આ વખતે મીરાબાઈએ એ અધૂરી રહી ગયેલી સફર પૂરી કરી છે. ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ બાદ હવે એશિયન ગેમ્સનો સિલ્વર પણ તેમના નામે આવી ગયો છે. આ સાથે ભારતના વેટલિફ્ટિંગમાં પણ 28 વર્ષ બાદ ફરી મેડલની એન્ટ્રી થઈ છે.
મીરાબાઈના મેડલથી ભારતનો રેકોર્ડ બદલાયો
એશિયન ગેમ્સમાં ભારતે વેટલિફ્ટિંગમાં અનેક મેડલ જીત્યા છે, પરંતુ ગોલ્ડ હજુ પણ દૂર છે. મીરાબાઈનો સિલ્વર ભારતને આ રમતમાં ગોલ્ડ અપાવી શક્યો નથી, પરંતુ 28 વર્ષના મેડલના ઈંતઝારનો અંત જરૂર લાવ્યો છે. 1998માં કર્ણમ મલ્લેશ્વરીએ જે સિલ્વર સાથે ઈતિહાસ રચ્યો હતો, તેના 28 વર્ષ બાદ મીરાબાઈ ચાનુએ ફરી સિલ્વર જીતીને ઈતિહાસ રચી દીધો છે.
આ પણ વાંચો: ASIAN GAMES 2026: ક્રિકેટર બનવાનું સપનું હતું, સ્કૂલમાં બોલ બોય બન્યો અને ઈતિહાસ રચ્યો, જય મીનાએ સોફ્ટ ટેનિસમાં પહેલીવાર મેડલ અપાવ્યો