એશિયન ગેમ્સ 2026માં ભારતના 26 વર્ષના જય મીનાએ સોફ્ટ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. જય મીનાએ પુરુષોની સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સેમિફાઈનલમાં જાપાનના તાકુયા કુરોસાકા સામે 2-4થી હાર્યા બાદ જયને બ્રોન્ઝ મેડલ મળ્યો. આ સાથે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સોફ્ટ ટેનિસમાં ભારતનો આ પહેલો મેડલ મળ્યો છે.
રોમાંચક રહી મેડલની સફર
જય માટે આ મેડલની સફર રોમાંચક બની હતી. તેણે ફિલિપાઈન્સના શેરવિન નુગિટને 4-3થી હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ મુકાબલામાં જય પ્રથમ ગેમ 0-4થી હારી ગયો હતો. ત્યારબાદ તેણે 4-2થી બીજી ગેમ જીતીને વાપસી કરી. મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે સતત કડક મુકાબલો ચાલ્યો અને અંતે સ્કોર 3-3 થયો હતો. નિર્ણાયક સાતમી ગેમમાં પણ જય એક સમયે 3-5થી પાછળ હતો. અહીંથી તેણે સતત 4 પોઈન્ટ મેળવીને ગેમ 7-5થી જીતી લીધી અને આખી મેચ 4-3થી પોતાના નામે કરી. આ જીત સાથે તે સેમિફાઈનલમાં પહોંચ્યો અને ભારતનો સોફ્ટ ટેનિસમાં પ્રથમ એશિયન ગેમ્સ મેડલ પાક્કો થઈ ગયો હતો.
સેમિફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મુકાબલો
સેમિફાઈનલમાં જયનો સામનો જાપાનના તાકુયા કુરોસાકા સામે થયો. કુરોસાકાએ 4-2થી મુકાબલો પોતાના નામે કર્યો. જયે એક ગેમમાં વાપસી કરી હતી, પરંતુ જાપાની ખેલાડીએ મેચ પર પકડ જાળવી રાખી અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. સેમિફાઈનલમાં હાર્યા બાદ જયને બ્રોન્ઝ મેડલ મળ્યો. જયની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે ભારતે આ પહેલાં એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં કોઈ મેડલ જીત્યો નહોતો.
https://x.com/ani_digital/status/2102635589350953425?s=20
ક્રિકેટર બનવાનું સપનું હતું, બોલ બોયથી શરૂ થઈ સફર
મધ્યપ્રદેશના દેવાસના જય મીનાનું બાળપણનું સપનું ક્રિકેટર બનવાનું હતું. સ્કૂલમાં તેને પહેલીવાર સોફ્ટ ટેનિસ વિશે જાણવા મળ્યું. શરૂઆતમાં તે સ્કૂલની મેચોમાં બોલ બોય તરીકે કામ કરતો હતો. ખેલાડીઓને રમતા જોતા-જોતા તેને આ રમત ગમવા લાગી અને તેણે પોતે સોફ્ટ ટેનિસ રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો. માત્ર 14 વર્ષની ઉંમરે તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા લાગ્યો હતો. આજે એ જ ખેલાડી એશિયન ગેમ્સમાં ભારત માટે સોફ્ટ ટેનિસનો પહેલો મેડલ જીતનાર બની ગયો છે. જયે 2022ની નેશનલ ગેમ્સમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2025માં તે નેશનલ ચેમ્પિયન બન્યો હતો. 2024ની વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં આધ્યા તિવારી સાથે મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ હતો. 2025ની એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ તેણે સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.
આ રીતે સ્કૂલમાં બોલ બોય તરીકે શરૂ થયેલી જય મીનાની સફર હવે એશિયન ગેમ્સના મેડલ સુધી પહોંચી છે. 26 વર્ષના જયે સોફ્ટ ટેનિસમાં ભારત માટે જે ઈતિહાસ રચ્યો છે, તે આ રમત માટે દેશની અત્યાર સુધીની સૌથી મોટી એશિયન ગેમ્સ સિદ્ધિ બની છે.
આ પણ વાંચો: Asian Games શૂટિંગમાં ભારતનો દબદબો, ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ