એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ અભિયાનમાં વધુ એક મેડલ ઉમેરાયો છે. જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે સ્ક્વોશના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સેમિફાઈનલમાં ભારતીય જોડીને હોંગકોંગની લી કા યી અને તાંગ મિંગ હોંગ સામે 10-11, 11-2, 10-11થી હાર મળી હતી. સેમિફાઈનલમાં પહોંચતા જ ભારતનો બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ ગયો હતો. આ મેડલ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતના કુલ મેડલની સંખ્યા 26 થઈ ગઈ છે. તેમાં 2 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

ફાઈનલથી માત્ર એક પોઈન્ટ દૂર

હોંગકોંગ સામેની સેમિફાઈનલમાં જોશના અને વેલાવનની જોડીએ જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ પ્રથમ ગેમમાં 10-11થી હાર મળી. ત્યારબાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી અને બીજી ગેમ 11-2થી જીતીને મેચ 1-1થી બરાબર કરી દીધી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. ભારતીય જોડીએ એક સમયે 10-7ની લીડ મેળવી હતી અને તેમની પાસે મેચ જીતવા માટે ત્રણ તક હતી. જોકે, હોંગકોંગની જોડીએ સતત ચાર પોઈન્ટ મેળવીને ગેમ 11-10થી જીતી લીધી. આ સાથે ગોલ્ડનું ભારતનું સપનું માત્ર એક પોઈન્ટથી અધૂરું રહી ગયું.

ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર જીત

આ પહેલાં ક્વાર્ટર ફાઈનલમાં જોશના અને વેલાવને ફિલિપાઈન્સના ડેવિડ પેલિનો અને જેમિકા અરીબાડોની જોડીને 11-3, 11-5થી હરાવી હતી. ભારતીય જોડીએ આ મેચ 30 મિનિટથી પણ ઓછા સમયમાં જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ભારતનો મેડલ પાક્કો થઈ ગયો હતો.

જોશનાનો એશિયન ગેમ્સમાં છઠ્ઠો મેડલ

40 વર્ષની જોશના ચિનપ્પા માટે આ મેડલ ખાસ છે. એશિયન ગેમ્સમાં આ તેનો છઠ્ઠો મેડલ છે. અગાઉ તે 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી હતી. જોશના 2002ની બુસાન એશિયન ગેમ્સથી સતત સાતમી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. આ સાથે તેણે ભારતીય સ્ક્વોશના દિગ્ગજ સૌરવ ઘોષાલની છ એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.

વેલાવનની પહેલી એશિયન ગેમ્સમાં મેડલ

વેલાવન સેન્થિલકુમાર માટે આ પ્રથમ એશિયન ગેમ્સ છે અને પહેલી જ વખત તેણે મેડલ પોતાના નામે કર્યો છે. જોશના અને વેલાવન બંને તમિલનાડુના છે. ક્વાર્ટર ફાઈનલ બાદ વેલાવને કહ્યું હતું કે બંનેએ શરૂઆતથી અંત સુધી આક્રમક રમત રમી અને પોતાની મેચ પ્લાનને સારી રીતે અમલમાં મૂકી હતી. ફિલિપાઈન્સની જોડીને અગાઉ રમ્યા ન હોવાથી ભારતીય જોડીએ તેમની જૂની મેચોના વીડિયો જોઈને પોતાની રણનીતિ બનાવી હતી.

ભારતના સ્ક્વોશમાં મેડલની લહેર

એશિયન ગેમ્સ 2026માં સ્ક્વોશમાં ભારતનું પ્રદર્શન પણ મજબૂત રહ્યું છે. જોશના-વેલાવન ઉપરાંત અનાહત સિંહ અને અભય સિંહે પણ સિંગલ્સની સેમિફાઈનલમાં સ્થાન મેળવી ભારત માટે વધુ મેડલની આશા જીવંત રાખી છે.

આ પણ વાંચો: Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 26 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને