એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં ભારતનો મેડલનો સિલસિલો ચાલુ છે. મંગળવારે મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં નીરુ ધાંડા, આશિમા અહલાવત અને મનીષા કીરની ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્રણેય ખેલાડીઓએ મળીને 328નો સ્કોર કર્યો હતો. ચીને 346ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કુવૈત 325ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પર રહ્યું. ભારતીય ટીમે કુવૈત કરતાં 3 પોઈન્ટ વધુ મેળવીને સિલ્વર પોતાના નામે કર્યો હતો.
નીરુનો શાનદાર 118નો સ્કોર
ભારત તરફથી નીરુ ધાંડા સૌથી આગળ રહી હતી. તેણે 125માંથી 118 ટાર્ગેટ હિટ કર્યા હતા. આ સ્કોર સાથે તે વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં ટોપ પર રહેલી ખેલાડીઓમાં સામેલ થઈ અને હવે વ્યક્તિગત ફાઈનલમાં રમશે. રિપોર્ટ મુજબ નીરુનો 118નો સ્કોર એશિયન ગેમ્સની ક્વોલિફિકેશનમાં ગેમ્સ રેકોર્ડની બરાબરી કરતો સ્કોર રહ્યો છે. કતારની રે બેસિલે પણ 118નો સ્કોર કર્યો હતો.
આશિમા અને મનીષા ફાઈનલ ચૂકી
ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીતવામાં મહત્વનું યોગદાન આપનાર આશિમા અહલાવત અને મનીષા કીર વ્યક્તિગત ફાઈનલમાં જગ્યા બનાવી શકી નહોતી. આશિમાએ 106નો સ્કોર કરીને 16મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે મનીષાએ 104ના સ્કોર સાથે 23મું સ્થાન મેળવ્યું હતું. વ્યક્તિગત ફાઈનલ માટે ટોપ 8 ખેલાડીઓએ ક્વોલિફાઈ કરવાનું હતું.
શૂટિંગમાં ભારતનો 13મો મેડલ
મહિલા ટ્રેપનો સિલ્વર મેડલ મળતાં એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં ભારતના મેડલની સંખ્યા 13 થઈ ગઈ છે. તેમાં ભારતના નામે 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શૂટિંગમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મળ્યો હતો, જ્યાં કમલજીત અને સુરુચી સિંહની જોડીએ ગોલ્ડ જીત્યો હતો.
હવે નીરુ પાસેથી વ્યક્તિગત મેડલની આશા
ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યા બાદ હવે નીરુ ધાંડા વ્યક્તિગત ટ્રેપ ફાઈનલમાં પણ મેડલ માટે ઉતરશે. ફાઈનલમાં તેનો મુકાબલો એશિયાની ટોચની શૂટર્સ સામે રહેશે. ભારત માટે આ ઈવેન્ટ ખાસ બની શકે છે, કારણ કે નીરુએ ક્વોલિફિકેશનમાં જ પોતાની મજબૂત દાવેદારી બતાવી છે. હવે નજર એ વાત પર રહેશે કે તે વ્યક્તિગત ફાઈનલમાં સિલ્વરને ગોલ્ડમાં બદલી શકે છે કે નહીં.
આ પણ વાંચો: Asian Games 2026 Day-10 Live : નીરજ ચૌહાણે ગોલ્ડ મેડલ વિજેતાને હરાવ્યો, આજે એથ્લેટિક્સમાં થઈ શકે છે મેડલનો વરસાદ