એશિયન ગેમ્સ 2026માં ભારતીય રેસલિંગ માટે 1 ઓક્ટોબરનો દિવસ ઐતિહાસિક બની ગયો છે. પુરુષોની ગ્રીકો-રોમન 97 કિગ્રા કેટેગરીમાં નિતેશ સિવાચે ફાઇનલમાં જગ્યા બનાવી છે. નાગોયા સિટી ઇનાએ સ્પોર્ટ્સ સેન્ટરમાં રમાયેલી સેમિફાઇનલમાં નિતેશે મંગોલિયાના ગનબાતારિન ગંકહુયાગને 9-0થી હરાવ્યો. નિતેશે શરૂઆતથી જ મુકાબલા પર કંટ્રોલ રાખ્યો અને પોતાના પ્રતિસ્પર્ધીને એક પણ પોઈન્ટ લેવા દીધો નહીં. ટેક્નિકલ સુપિરિયોરિટીથી મળેલી આ જીત સાથે તેણે ગોલ્ડ મેડલની દાવેદારી જાળવી રાખી છે.
64 વર્ષ પછી ભારતનો રેસલર ફાઇનલમાં
નિતેશની આ જીત માત્ર એક મેચની જીત નથી, પરંતુ ભારતીય ગ્રીકો-રોમન રેસલિંગ માટે મોટો રેકોર્ડ છે. 1962ની એશિયન ગેમ્સ બાદ પહેલીવાર ભારતનો કોઈ ગ્રીકો-રોમન રેસલર એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. એટલે ભારતે આ ફાઇનલ માટે 64 વર્ષ રાહ જોવી પડી. 1962માં જકાર્તા એશિયન ગેમ્સમાં ગણપત આંદલકરે ગ્રીકો-રોમન રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ એશિયન ગેમ્સમાં ગ્રીકો-રોમન રેસલિંગનો ગોલ્ડ જીતનારા ભારતના એકમાત્ર રેસલર છે. હવે નિતેશ પાસે એ રેકોર્ડની બરાબરી કરવાની તક છે.
ક્વાર્ટરફાઇનલમાં પણ શાનદાર જીત
નિતેશની ફાઇનલ સુધીની સફર પણ મજબૂત રહી છે. ક્વાર્ટરફાઇનલમાં તેણે તુર્કમેનિસ્તાનના અમનબર્દી અગામ્મામેડોવને 7-1થી હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં મંગોલિયાના ગંકહુયાગ સામે 9-0ની એકતરફી જીત મેળવી. નિતેશ 2026 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યો છે. હવે તેની સામે ઘરઆંગણે રમતા જાપાનના યુરી નાકાઝાતોનો પડકાર રહેશે. ગોલ્ડ મેડલ માટે બંને વચ્ચેનો મુકાબલો 1 ઓક્ટોબરે જ રમાવાનો છે.
માનસી અહલાવત ગોલ્ડથી ચૂકી
બીજી તરફ મહિલા 62 કિગ્રા કેટેગરીમાં માનસી અહલાવતને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. જાપાનની નોનૉકા ઓઝાકીએ માનસીને 6-0થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી. માનસીએ સેમિફાઇનલ સુધી પહોંચવા માટે શરૂઆતના બંને મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રી-ક્વાર્ટરફાઇનલમાં તેણે કઝાકિસ્તાનની ઇરિના કુઝનેત્સોવાને 6-1થી હરાવી હતી. ત્યારબાદ ક્વાર્ટરફાઇનલમાં દક્ષિણ કોરિયાની જો સુ-બીનને 5-0થી હરાવી સેમિફાઇનલમાં પહોંચી હતી. હવે માનસી પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. બ્રોન્ઝ માટે તેનો મુકાબલો મંગોલિયાની અલ્તજિન તોગતોખ સામે થવાનો છે.
ગ્રીકો-રોમનમાં ભારતના મેડલનો સિલસિલો
નિતેશની ફાઇનલમાં એન્ટ્રીથી ભારતને ગ્રીકો-રોમન રેસલિંગમાં વધુ એક મેડલની ખાતરી થઈ ગઈ છે. આ પહેલાં સુનીલ કુમારે 87 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફિલિપાઇન્સના કેલમ જોનસ્ટન રોબર્ટ્સને 9-0થી હરાવી સુનીલે સતત બીજી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. સુનીલ એશિયન ગેમ્સમાં 2 ગ્રીકો-રોમન મેડલ જીતનારો પ્રથમ ભારતીય રેસલર પણ બન્યો છે. હવે નિતેશ પાસે 64 વર્ષ બાદ ભારતને ગ્રીકો-રોમનમાં ગોલ્ડ અપાવવાની ઐતિહાસિક તક છે.
બીજી તરફ સુમિત 60 કિગ્રા અને અમાન બરોનિયા 77 કિગ્રામાં ક્વાર્ટરફાઇનલમાં હારીને બહાર થઈ ગયા છે. બંનેના પ્રતિસ્પર્ધીઓ ફાઇનલમાં ન પહોંચતા તેમને રિપેચેજ દ્વારા બ્રોન્ઝની તક પણ મળી નથી.
આ પણ વાંચો: Asian games: સેમિફાઇનલમાં હાર બાદ ગણેશનું કમબેક, બ્રોન્ઝ જીતીને ભારતનું કમ્પાઉન્ડ આર્ચરી અભિયાન પૂરું કર્યું