એશિયન ગેમ્સમાં રવિવારે ભારતને બેડમિન્ટનમાં મોટો ઝટકો લાગ્યો. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ચીનની ચેન યુ ફેઈ સામે 21-11, 18-21, 10-21થી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે સિંધુની એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની આશા પણ પૂરી થઈ ગઈ. સિંધુ માટે મેચની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ ગેમમાં તેમણે ચીનની ઓલિમ્પિક ચેમ્પિયન ચેન યુ ફેઈ સામે શરૂઆતથી જ દબાણ બનાવ્યું અને 21-11થી ગેમ જીતી લીધી. બીજા ગેમમાં પણ સિંધુ એક સમયે 11-10થી આગળ હતી. સ્કોર 16-16 થયો ત્યારે સિંધુએ જોરદાર સ્મેશ મારીને 17-16ની લીડ મેળવી હતી. જોકે ત્યારબાદ ચેન યુ ફેઈએ વાપસી કરી અને 21-18થી ગેમ જીતીને મેચ 1-1થી બરાબર કરી દીધી.
ત્રીજી ગેમમાં ચેન યુ ફેઈનો દબદબો
નિર્ણાયક ત્રીજી ગેમમાં સિંધુ શરૂઆતમાં 7 પોઈન્ટ સુધી પહોંચી હતી, પરંતુ ચેન યુ ફેઈએ બ્રેક સુધી 11-7ની લીડ મેળવી લીધી. ત્યારબાદ સિંધુ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ. ચીનની ખેલાડીએ સતત પોઈન્ટ મેળવીને અંતે ત્રીજી ગેમ 21-10થી જીતી લીધી. આ સાથે ચેન યુ ફેઈએ મેચ 2-1થી પોતાના નામે કરી અને સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું. સિંધુએ પ્રથમ ગેમમાં બતાવેલો આક્રમક અંદાજ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિર્ણાયક ગેમમાં ચેન યુ ફેઈએ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું.
24 કલાકથી ઓછા સમયમાં સિંધુની ત્રીજી મેચ
સિંધુ માટે શેડ્યૂલ પણ પડકારજનક રહ્યું હતું. ક્વાર્ટર ફાઈનલ પહેલાંના દિવસે તેમણે 2 મેચ રમી હતી. એટલે ચેન યુ ફેઈ સામેનો મુકાબલો 24 કલાકથી ઓછા સમયમાં તેમની ત્રીજી મેચ હતો. જોકે પ્રથમ ગેમમાં સિંધુ પર થાકની ખાસ અસર જોવા મળી નહોતી અને તેમણે જોરદાર શરૂઆત કરી હતી. આ પહેલા સિંધુએ રાઉન્ડ ઓફ 16માં ચાઈનીઝ તાઈપેઈની ચિયુ પિન-ચિયાન સામે 21-19, 21-14થી જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ઉન્નતિ હૂડાની પણ ક્વાર્ટર ફાઈનલમાં હાર
સિંધુ ઉપરાંત ઉન્નતિ હૂડાનું પણ એશિયન ગેમ્સનું અભિયાન ક્વાર્ટર ફાઈનલમાં સમાપ્ત થયું. ઉન્નતિને જાપાનની 3 વખતની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચી સામે 16-21, 21-14, 17-21થી હાર મળી. ઉન્નતિએ પણ મેચમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ તેણે બીજી ગેમ 21-14થી જીતીને મેચ 1-1થી બરાબર કરી હતી. પરંતુ નિર્ણાયક ગેમમાં જાપાનની ખેલાડીએ અંત સુધી દબાણ જાળવી રાખ્યું અને 21-17થી ગેમ જીતી લીધી. આ જીત સાથે યામાગુચીએ સેમિફાઈનલમાં સ્થાન મેળવીને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પણ નિશ્ચિત કરી લીધો.
ભારતનું બેડમિન્ટન અભિયાન માત્ર 1 બ્રોન્ઝ સાથે પૂરું
સિંધુ અને ઉન્નતિની હાર સાથે ભારતનું એશિયન ગેમ્સ 2026નું બેડમિન્ટન અભિયાન સમાપ્ત થયું. ભારતને આ વખતે માત્ર પુરુષ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. વ્યક્તિગત 5 ઈવેન્ટમાં ભારત એક પણ મેડલ જીતી શક્યું નહીં. મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીને મલેશિયાની વર્લ્ડ નંબર-5 જોડી થિનાહ મુરલીધરન અને પર્લી તાન સામે 18-21, 8-21થી હાર મળી. મિક્સ્ડ ડબલ્સમાં તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાને ચીનની વર્લ્ડ નંબર-1 જોડી ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગપિંગે 21-14, 18-21, 21-18થી હરાવી.
ભારતે અગાઉ 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં 3 મેડલ જીત્યા હતા. આ વખતે ભારત માત્ર 1 બ્રોન્ઝ સાથે પરત ફરશે. IANSના અહેવાલ મુજબ, 2014ની ઈન્ચિઓન એશિયન ગેમ્સ બાદ આ પહેલી વખત છે જ્યારે ભારત વ્યક્તિગત બેડમિન્ટન ઈવેન્ટમાં એક પણ મેડલ જીતી શક્યું નથી.
આ પણ વાંચો: asian games: 2014 બાદ ફરી ગોલ્ડ, ખેલાડી તરીકે રહી ગઈ હતી એક કમી, કોચ બનીને નીતા ધાડવેએ કમી પૂરી કરી