• બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી
  • બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 હજાર રન પૂરા કર્યા
  • પાકિસ્તાન તરફથી 13 હજાર રન કરનાર પાંચમો ખેલાડી

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBએ પાકિસ્તાન ક્રિકેટના કોચ, કેપ્ટન અને સમગ્ર મેનેજમેન્ટને બદલી નાખ્યું, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ટીમને 3 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 360 રનથી અત્યંત શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબર આઝમનો ખાસ રેકોર્ડ

આ મેચમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, કારણ કે લાંબા સમય બાદ તે કેપ્ટનશિપના બોજ વગર ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં આવ્યો હતો, પરંતુ આ મેચમાં તે કંઈ ખાસ બતાવી શક્યો ન હતો. બાબરે પ્રથમ દાવમાં 21 રન અને બીજા દાવમાં માત્ર 14 રન બનાવ્યા હતા. જોકે, આ ટૂંકી ઇનિંગ્સની મદદથી બાબરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાના સંયુકત 13,000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે પાકિસ્તાનનો પાંચમો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક, જાવેદ મિયાંદાદ, મોહમ્મદ યુસુફ અને યુનિસ ખાને પણ 13000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા.

બાબર આઝમે આ દિગ્ગજને પાછળ છોડ્યા

જોકે બાબર આઝમના આ રેકોર્ડમાં એક ખાસ વાત છે જેના કારણે તેણે પાકિસ્તાનના આ દિગ્ગજખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. બાબર આઝમ પાકિસ્તાન તરફથી સૌથી ઝડપી 13,000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 301 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. બાબર આઝમ પછી બીજા નંબર પર જાવેદ મિયાંદાદનું નામ આવે છે, જેમણે 304 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં આવો રેકોર્ડ બનાવ્યો હતો. તેના પછી આ યાદીમાં મોહમ્મદ યુસુફ (322 ઇનિંગ્સ), ઇન્ઝમામ ઉલ હક (352 ઇનિંગ્સ), અને યુનિસ ખાન (372 ઇનિંગ્સ)નું નામ આવે છે.

આ ખેલાડીના નામે સૌથી વધુ રન

આ ઇનિંગ્સમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, ODI અને T20નો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ઇન્ઝમામ ઉલ હકના નામે છે. તેણે પોતાની કારકિર્દીમાં કુલ 20,541 રન બનાવ્યા હતા.


  • Follow us on: