- પ્રથમ બેટિંગમાં ભારતીય મહિલા ટીમે 282 રન બનાવ્યા હતા
- ઓસ્ટ્રેલિયાએ 6 વિકટેના નુકસાને 285 રન બનાવ્યા
- ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેનોની અડધી સદી
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા અને છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સાથે જ ત્રણ મેચોની સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-0 ની લીડ મેળવી છે.
ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા અને એલિસ પેરીએ અડધી સદી ફટકારી હતી. ત્રણ બેટ્સમેનોની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે આજે ગુરુવારે અહીં ત્રણ મેચની મહિલા વન-ડે ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 21 બોલ બાકી રહેતા છ વિકેટથી હરાવ્યું હતું.
ભારત મોટો સ્કોર ન કરી શક્યું
ભારતીય ટીમે જેમિમાહ રોડ્રિગ્સના 82 રન અને પૂજા વસ્ત્રાકરના અણનમ 62 રનની મદદથી આઠ વિકેટે 282 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 282 રનનો સૌથી વધુ વનડે સ્કોર પણ હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે બે-બે વિકેટ લીધી હતી. ડાર્સી બ્રાઉન, એનાબેલ સધરલેન્ડ, મેગન શુટ અને અલાના કિંગે એક-એક વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ફોબી લિચફિલ્ડ (78 રન), એલિસ પેરી (75 રન) અને તાહલિયા મેકગ્રા (અણનમ 68 રન)ની અડધી સદીની મદદથી 46.3 ઓવરમાં ચાર વિકેટે 285 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જ્યારે ભારત તરફથી રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.