• ભારત અને ઓેસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝનું આયોજન થશે
  • આ સીરીઝથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ઘણો ફાયદો થવાનો છે
  • ટેલિકાસ્ટ અધિકારો પણ ખૂબ ઊંચા ડોલરમાં વેચવામાં આવ્યા છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 07 જાન્યુઆરી સુધી પાંચ મેચની ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ સિરીઝની પ્રથમ મેચ પર્થ સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં તૈયારીઓ ચાલી રહી છે. આ સીરીઝથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ઘણો ફાયદો થવાનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલીએ ઓસ્ટ્રેલિયામાં ભારતની આગામી પાંચ ટેસ્ટ મેચની સિરીઝને વ્યવસાયિક દૃષ્ટિકોણથી એશિઝ જેવી જ ગણાવી છે.

આ સિરીઝના ટેલિકાસ્ટ અધિકારો પણ ખૂબ ઊંચા ડોલરમાં વેચવામાં આવ્યા છે. CA એ ભારત સામેની હોમ સિરીઝ માટે ફોક્સટેલ અને સેવન નેટવર્ક સાથે 1.5 બિલિયન ઓસ્ટ્રેલિયન ડૉલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOનું મોટું નિવેદન

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોપ પર રહેલા બંને દેશો વચ્ચે રમાનારી મેચને લઈને ઘણી ઉત્સુકતા છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારતે જીતી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પર આ સિરીઝને લઈને ઘણું દબાણ છે. ભારતે 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ સિરીઝ જીતની ઐતિહાસિક હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હોકલીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને એશિઝ બંને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેલેન્ડર પર મોટા પ્રવાસો છે અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી તદ્દન તુલનાત્મક છે, બંને વિશાળ ભીડ અને વિશાળ ચાહકોને આકર્ષે છે. ભારતમાંથી ટિકિટનું વેચાણ અગાઉની નોન-કોવિડ શ્રેણી કરતાં છ ગણું વધારે છે.

ડે-નાઈટ ટેસ્ટ રમાશે

સિરીઝની બીજી ટેસ્ટ ડે-નાઇટ હશે, જેમાં યજમાનોએ 12માંથી 11 પિંક-બોલ ટેસ્ટ જીતી છે, જેમાં તેમના ઝડપી બોલરોનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. શુક્રવારના રોજ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 6 ડિસેમ્બરથી શરૂ થનારી એડિલેડ પિંક-બોલ ટેસ્ટ માટે વોર્મ-અપ તરીકે ભારતના પ્રવાસ માટે મનુકા ઓવલ ખાતે બે દિવસીય મેચ (30 નવેમ્બર-1 ડિસેમ્બર)ની જાહેરાત કરી હતી . છેલ્લા પ્રવાસ દરમિયાન, ભારત એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ - 22 થી 26 નવેમ્બર (ઓપ્ટસ સ્ટેડિયમ, પર્થ)
  • બીજી ટેસ્ટ - 06 થી 10 ડિસેમ્બર (એડીલેડ ઓવલ)
  • ત્રીજી ટેસ્ટ - 14 થી 18 ડિસેમ્બર (ધ ગાબા, બ્રિસ્બેન)
  • ચોથી ટેસ્ટ - 26 થી 30 ડિસેમ્બર (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન)
  • પાંચમી ટેસ્ટ -03 થી 07 જાન્યુઆરી (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની)

  • Follow us on: