• વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન
  • બાબબ આઝમને કેપ્ટનશિપમાંથી હટાવી દીધો હતો
  • PCB ફરીથી બાબર આઝમને કપ્તાન બનાવી શકે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ફરીથી પાકિસ્તાન ટીમના કેપ્ટન બનવાની અટકળોએ જોર પકડ્યું છે. વાસ્તવમાં, ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. જે બાદ શાહીન આફ્રિદીને પાકિસ્તાન ટેસ્ટ ટીમનો કેપ્ટન અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આ બંને ખેલાડીઓની કપ્તાનીમાં પણ પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ પહેલા શાન મસૂદની કપ્તાનીમાં ટીમને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, શાહીન આફ્રિદીની કપ્તાનીમાં, પાકિસ્તાન T20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડના હાથે 4-1થી હારી ગયું.

બાબર આઝમને ફરી મળશે કેપ્ટનશીપ!

આગામી T20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પોતાની ટીમને વધુ મજબૂત કરવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમની કમાન ફરી એકવાર બાબર આઝમના હાથમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી સાથે મુલાકાત કરી છે. બાબર અને મોહસિન નકવી વચ્ચે સુકાનીપદને લઈને પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ટીમના ચાહકોને આશા છે કે બાબર આઝમને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બાબરનો કેપ્ટનશિપનો રેકોર્ડ

બાબર આઝમને વર્ષ 2020માં પાકિસ્તાનની ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાને ODI ક્રિકેટમાં 40 મેચ રમી હતી. જેમાં ટીમને 24માં વિજય અને 15માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય T20 ક્રિકેટમાં 71 મેચ રમાઈ છે જેમાં ટીમને 42માં જીત અને 23માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય જો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ બાબરના નેતૃત્વમાં 20 ટેસ્ટ મેચ રમી હતી. જેમાંથી 10માં વિજય અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજ સુધી એકપણ ICC ટ્રોફી જીતી નથી.

  • Follow us on: