- બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
- આ પહેલા બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું
- ભારત સામેની સિરીઝ પહેલા નઝમુલ શાંતોનું મોટું નિવેદન
બાંગ્લાદેશ ટીમ માટે પાકિસ્તાનનો પ્રવાસ ઘણો ઐતિહાસિક રહ્યો છે. તેઓએ પ્રથમ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું અને સિરીઝ પણ જીતી. ખાસ વાત એ હતી કે તેણે ક્લીન સ્વીપ સાથે આ સીરીઝ જીતી હતી. હવે બાંગ્લાદેશની ટીમ ભારત આવવાની છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે. આ સિરીઝ પહેલા બાંગ્લાદેશના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝ પર ટીમના કેપ્ટન નઝમુલ શાંતોએ મોટું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશી કેપ્ટને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી
પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ, નઝમુલ શાંતોએ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં પોતાના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાના પ્રવાસ વિશે પણ વાત કરી અને કહ્યું, 'આગામી સિરીઝ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જીતે અમને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે. મુશફિકુર રહીમ અને શાકિબ અલ હસન પાસે ઘણો અનુભવ છે અને તેઓ ભારતમાં મહત્વપૂર્ણ રહેશે. મિરાજે આ પરિસ્થિતિઓમાં જે રીતે બોલિંગ કરી અને 5 વિકેટ લીધી તે ખૂબ જ પ્રભાવશાળી છે અને આશા છે કે તે ભારત સામે પણ આવું જ પ્રદર્શન કરશે.
પાકિસ્તાનના સુપડા સાફ કર્યા
બાંગ્લાદેશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત કોઈ પણ ટીમનો ક્લીન સ્વીપ કર્યો છે. બાંગ્લાદેશે સિરીઝની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ટીમે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે 10 વિકેટથી હરાવ્યું હોય. જ્યારે બીજી મેચ બાંગ્લાદેશે 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 274 રન બનાવી શકી હતી. જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 262 રન પર જ ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી પાકિસ્તાને બીજી ઇનિંગમાં માત્ર 172 રન બનાવ્યા હતા અને ત્યારપછી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 185 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
ભારતના પ્રવાસ પર, બાંગ્લાદેશની ટીમ 2 મેચની ટેસ્ટ સિરીઝ અને 3 મેચની T20 સિરીઝ રમશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 19 થી 23 સપ્ટેમ્બર સુધી રમાશે. જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટ સિરીઝ પણ હશે.