- કર્ણાટકના ચેતનની જગ્યાએ સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું નામ આ યાદીમાં લખાયું
- ચેતનને ક્યારેય શંકાસ્પદ બોલિંગ એક્શન માટે બોલાવવામાં નથી આવ્યો
- શંકાસ્પદ બોલિંગ એક્શન ધરાવતચા ખેલાડીઓની યાદી
IPL 2024નું ઓક્શન આગામી 19 ડિસેમ્બરે યોજાવા જઇ રહ્યું છે. આ પહેલા BCCIએ શંકાસ્પદ બોલિંગ એક્શન વાળા ખેલાડીઓની યાદી જાહેરા કરી હતી. ક્રિકેટ બોર્ડની યાદીથી હડકંપ મચી ગયો હતો. આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સે રિલીઝ કરેલા યુવા ખેલાડી ચેતન સાકરીયાનું નામ પણ શામેલ હતુ. BCCIના આ લિસ્ટ પર સવાલો ઉઠ્યા હતા. પછી બોર્ડે તેનું ક્રોસ ચેકિંગ કર્યું ત્યારે આ ભૂલ સમજાઇ હતી.
સમાન નામના કારણે થઇ ભુલ
વાસ્તવમાં, બોર્ડ એક જેવા નામને કારણે મૂંઝવણમાં આવી ગયું. કર્ણાટકના ચેતન નામના બોલરની જગ્યાએ સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું નામ આ યાદીમાં લખાઇ ગયું હતું. બાદમાં BCCIએ પોતાની ભુલ સુધારી ચેતન સાકરિયાનું નામ યાદીમાંથી હટાવી દીધું છે.
આ યાદીમાં થયેલી ભૂલ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું, 'આ એક પ્રકારની ગેરસમજ હતી. ચેતનને ક્યારેય શંકાસ્પદ બોલિંગ એક્શન માટે બોલાવવામાં આવ્યો ન હતો. તે આ યાદીમાં નથી. કર્ણાટકના કોઈ બોલરનું નામ હોવું જોઈએ. IPL ફ્રેન્ચાઇઝીસને પણ આ અંગે જાણ કરવામાં આવી રહી છે.
ચેતન સાકરિયા ગત IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જોકે, આ વખતે દિલ્હી ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં તે રોસ્ટરમાં 27મા સ્થાને રહેશે. તેની મૂળ કિંમત 50 લાખ છે.
શંકાસ્પદ બોલિંગ એક્શન ધરાવતચા ખેલાડીઓની યાદી
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના તનુષ કોટિયન, કેરળ ક્રિકેટ એસોસિએશનના રોહન કુન્નુમલ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચિરાગ ગાંધી, કેરળ ક્રિકેટ એસોસિએશનના સલમાન નિઝાર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના સૌરભ દુબે, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અર્પિત ગુલેરિયા અને કર્ણાટકના ચેતનનું નામ શંકાસ્પદ બોલિંગ એક્શન લિસ્ટમાં સામેલ છે. જો કે આ બોલરો પર હજુ સુધી પ્રતિબંધ મુકાયો નથી. આ સિવાય કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના મનીષ પાંડે અને કેએલ શ્રીજીત પર બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.