- IPL 2024ની વચ્ચે BCCIએ એક મોટી જાહેરાત કરી
- BCCIએ IPLની મધ્યમાં મહત્વની બેઠક બોલાવી છે
- આવતા વર્ષે યોજાનારી મેગા ઓક્શન પર ચર્ચા થઈ શકે છે
IPL 2024ની શરૂઆત થઇ ગઇ છે. પોઈન્ટ ટેબલ દરેક મેચ બાદ રોમાંચક બની રહ્યું છે. આ બધા વચ્ચે BCCIએ એક મોટી જાહેરાત કરી છે. BCCIએ IPLની મધ્યમાં મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક 16 એપ્રિલે અમદાવાદ, ગુજરાત ખાતે યોજાશે. આ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાશે. આ દરમિયાન BCCI IPLની ફ્રેન્ચાઈઝી સાથે પણ બેઠક કરશે. આ બેઠકમાં BCCI સેક્રેટરી જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને IPL પ્રમુખ અરુણ સિંહ ધૂમલ પણ હાજરી આપી શકે છે.
શા માટે આ બેઠક મહત્વપૂર્ણ છે?
IPL 2024 વચ્ચે BCCI દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠક ઘણી રીતે ઘણી મહત્વની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી મેગા ઓક્શન પર ચર્ચા થઈ શકે છે. ઘણી ફ્રેન્ચાઈઝી માંગ કરી રહી છે કે ટીમ દ્વારા રિટેન્શન ખેલાડીઓની સંખ્યા વધારીને 8 કરવી જોઈએ, જેથી તે તેના મુખ્ય ખેલાડીને રાખી શકે. જોકે, ઘણી ફ્રેન્ચાઈઝી પણ તેની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં તમામ ટીમોની સાથે કરોડો ચાહકો પણ આ બેઠકની રાહ જોઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ, આ બેઠકમાં IPLની આગામી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
ફરીથી લાગુ થઈ શકે છે રાઈટ ટુ મેચ કાર્ડ નિયમ
તમને જણાવી દઈએ કે આ મીટિંગમાં તમામ 10 ટીમોના માલિકો હાજર રહી શકે છે. આ ઉપરાંત માલિકો તેમના CEO અને ઓપરેશનલ ટીમો સાથે પણ હોઈ શકે છે. મીટિંગમાં તમામ ફ્રેન્ચાઈઝી પોતાના મંતવ્યો આપી શકે છે અને તેના પર વિચાર કરી શકાય છે. આ ઉપરાંત રાઈટ ટુ મેચ કાર્ડ ફરી એકવાર શરૂ કરવું જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પહેલા વર્ષ 2022માં મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, આ દરમિયાન પણ રાઈટ ટુ મેચ કાર્ડનો કોઈ નિયમ નહોતો, પરંતુ હવે ફરી એકવાર તેને શરૂ કરવાની ચર્ચા છે.
RTM (રાઈટ ટુ મેચ) કાર્ડ શું છે?
IPL રમી રહેલી ટીમો કુલ 5 ખેલાડીઓને બે રીતે રિટેન કરી શકે છે. આમાંથી પ્રથમ પદ્ધતિ સીધા રિટેન છે અને બીજી 'રાઈટ ટુ મેચ' કાર્ડ દ્વારા છે. હરાજી દરમિયાન 'રાઈટ-ટુ-મેચ' કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આના માધ્યમથી ટીમો એવા ખેલાડીઓને ખરીદી શકે છે જેમને તેમણે રિટેન કર્યા ન હોય.
ઉદાહરણ તરીકે મુંબઈની ટીમે કોઈ ખેલાડીને રિટેન ન કર્યો હોય, જો અન્ય કોઈ ટીમ તે ખેલાડી માટે સૌથી વધુ બોલી લગાવે અને તેને 2 કરોડ રૂપિયામાં ખરીદે, તો આવી સ્થિતિમાં મુંબઈની ટીમ તેને એટલી જ રકમ આપશે અને 'રાઈટ ટુ મેચ કાર્ડ’ વિકલ્પનો ઉપયોગ કરી પોતાની ટીમમાં શામલ કરે છે. સૌથી વધુ બોલી લગાવ્યા બાદ પણ બીજી ટીમ તે ખેલાડીને ખરીદી શકશે નહીં અને આ ખેલાડી ફરીથી મુંબઈમાં જશે.