- એશિયા કપ પહેલા તમામ ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ લેવાયા
- યો-યો ટેસ્ટ પાસ કરવા પર વિરાટે કોહલીએ પોસ્ટ શેર કરી હતી
- સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા BCCI થયું નારાજ
એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમની જાહેરાત બાદ હવે ટીમના તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બેંગલુરુમાં 6 દિવસના પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. જેને લઈને ગુરુવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર વિરાટ કોહલીએ ઈન્સ્ટગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેના પર BCCI નારાજગી વ્યક્ત કરી છે.
ખેલાડીઓ 6 દિવસીય પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આગામી એશિયા કપની તૈયારીઓ માટે બેંગલુરુમાં 6-દિવસીય પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ કન્ડીશનીંગ કેમ્પના પહેલા દિવસે 24 ઓગસ્ટે તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સ્કોર પણ પોસ્ટ કર્યો. હવે બીસીસીઆઈના અધિકારીઓએ આ માહિતીને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
યો-યો ટેસ્ટ પાસ કરી વિરાટે પોસ્ટ કરી સ્કોર કર્યો શેર
વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પછી તરત જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને તેમાં તેણે જણાવ્યું કે તેનો સ્કોર 17.2 હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કોહલીની ફિટનેસ માટે ફેન્સ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. બીજી તરફ એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયાના અન્ય હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલ યો-યો ટેસ્ટના સ્કોરથી બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ નારાજ થયા છે.
કોહલીની આ સ્ટોરી બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ તેમના યો-યો ટેસ્ટના સ્કોરને લઈને કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે. રિપોર્ટ અનુસાર, આ સૂચના એશિયા કપ કેમ્પમાં હાજર તમામ ખેલાડીઓને આપવામાં આવી છે.
કરાર ભંગ માટે ટાંકવામાં આવે છે
રિપોર્ટ અનુસાર, યો-યો ટેસ્ટના સ્કોર્સ સાર્વજનિક થયા બાદ, બીસીસીઆઈના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેલાડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ખાનગી માહિતી પોસ્ટ કરવાથી બચવું જોઈએ. તે પ્રેક્ટિસ કેમ્પ દરમિયાન લેવાયેલ ફોટો પોસ્ટ કરી શકે છે, પરંતુ યો-યો ટેસ્ટનો સ્કોર નહીં. આ કરારના નિયમોના ભંગ હેઠળ માનવામાં આવે છે.