• પાકિસ્તાનની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે
  • બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વાયરલ ફીવરથી પીડિત

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની આગામી મેચ 20 ઓક્ટોબર, શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમના કેટલાક ખેલાડીઓની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેટલાક ખેલાડીઓ વાયરલ ફીવરથી પીડિત છે.

પાકિસ્તાનના ખેલાડીઓ બીમાર

ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચ માટે પાકિસ્તાનની ટીમ બેંગલોર પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેંગ્લોરનું હવામાન પાકિસ્તાની ખેલાડીઓને અનુકૂળ ન હતું. આજે સવારે ટીમના વૈકલ્પિક નેટ સત્રમાં વસીમ જુનિયર પ્રેકટીસ કરતો જોવા મળ્યો હતો. પરંતુ ટીમના ઘણા મુખ્ય ખેલાડીઓ આ પ્રેક્ટિસમાં હાજર ન હતા. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માટે સદી ફટકારનાર સ્ટાર ઓપનર અબ્દુલ્લા શફીકની હાલ તબિયત સારી નથી. આ દરમિયાન ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી તાવમાંથી સાજો થઈ ગયો છે. આ સિવાય ટીમના અન્ય ઘણા ખેલાડીઓની તબિયત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા પાકિસ્તાનને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી

પાકિસ્તાને વર્લ્ડકપમાં ત્રણ મેચ રમી છે, જેમાં પાકિસ્તાને 2 મેચ જીતી છે અને એક મેચ હારી છે. બાબર સેનાએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં ODI વર્લ્ડકપના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરીને શ્રીલંકા સામે જીત મેળવી હતી. જો કે આ પછી પાકિસ્તાને ભારત સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઇમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.

  • Follow us on: