પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે 7 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. સિરીઝ માટે ઈંગ્લેન્ડ પાકિસ્તાન પહોંચી ગયું છે. જોકે, પ્રથમ મેચ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી અને કેપ્ટન બેન સ્ટોક્સ પ્રથમ મેચમાં નહીં રમે. પ્રથમ મેચ મુલતાનમાં રમાશે. પરંતુ સ્ટોક્સ આ મેચનો ભાગ નહીં હોય. હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ધ હન્ડ્રેડમાં થયો ઈજાગ્રસ્ત
ધ હન્ડ્રેડ લીગ રમતી વખતે સ્ટોક્સને ઈજા થઈ હતી. તેને બેટિંગ અધવચ્ચે જ છોડી દેવી પડી અને રિટાયર્ડ થઈ ગયો હતો. પરંતુ તે હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. સ્ટોક્સની ગેરહાજરીમાં ક્રિસ વોક્સને તક મળવાની આશા છે. તેના સિવાય બ્રેડન કાર્સને પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેમની ગેરહાજરીમાં ઓલી પોપ કેપ્ટનશીપ સંભાળશે. તેણે શ્રીલંકા સામે રમાયેલી 3 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ કેપ્ટનશીપ કરી હતી. તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે પણ સિરીઝ 2-1થી જીતી હતી. પોપ કેપ્ટન તરીકે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરશે.
સ્ટોક્સ ઈંગ્લેન્ડના પ્રશિક્ષણ સત્રથી 45 મિનિટ પહેલા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સાથે શટલ રન કરતો જોવા મળ્યો હતો. તે નેટ્સમાં સ્પિન બોલિંગ સામે રમ્યો હતો. આ સિવાય તેણે થ્રો ડાઉનનો પણ સામનો કર્યો હતો. સ્ટોક્સે કહ્યું હતું કે તે પોતાની વાપસી અંગે કોઈ જોખમ લેવા માંગતો નથી. માનવામાં આવે છે કે સ્ટોક્સ પાકિસ્તાન સામેની બીજી મેચમાં ભાગ લેશે.
પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, શોએબ બશીર, હેરી બ્રુક, બ્રેડન કાર્સ, જોર્ડન કોક્સ, જેક ક્રોલી, બેન ડકેટ, જોશ હલ, જેક લીચ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જેમી સ્મિથ, બેન સ્ટોન ,ક્રિસ વોક્સ