- વર્લ્ડ કપમાં સ્થાન ન મળતા ચહલ વિદેશમાં જંપ લાવશે
- યુઝવેન્દ્ર ચહલે કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે
- ચહલ કેન્ટ તરફી કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યુ કરી શકે છે
ભારતીય સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. હવે તેણે કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. ચહલ કાઉન્ટી ટીમ કેન્ટ તરફથી રમી શકે છે. કાઉન્ટી ક્રિકેટમાં ચહલનું આ ડેબ્યુ હોઈ શકે છે. મંગળવારે (5 સપ્ટેમ્બર) ચીફ સિલેક્ટર અને કેપ્ટન રોહિત શર્માની હાજરીમાં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
BCCI તરફથી NOC પણ મેળવી લીધું
માહિતી અનુસાર, વર્લ્ડ કપમાં પસંદ ન થયા બાદ ચહલે કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. તેણે BCCI તરફથી NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. એક સૂત્રએ કહ્યું, “કેન્ટ કાઉન્ટી ક્લબ ક્રિકેટ ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. ચહલ તેના માટે ત્રણ-ચાર દિવસીય મેચ રમશે. બીસીસીઆઈએ તેને એનઓસી આપી છે. જ્યારે પણ ભારતીય ટીમને તેની જરૂર પડશે, તે તરત જ ભારતીય ટીમમાં સામેલ થશે.
ચહલની અવગણના કરવામાં આવી રહી છે
તમને જણાવી દઈએ કે ચહલને હવે ટીમમાં બહુ ઓછી તકો આપવામાં આવી રહી છે. આ દિવસોમાં રમાઈ રહેલા એશિયા કપ માટે પણ ચહલને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. ત્યાર બાદ તેને વર્લ્ડ કપની ટીમથી પણ દૂર રાખવામાં આવ્યો હતો. 2023માં અત્યાર સુધી ચહલે માત્ર 2 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે ત્રણ વિકેટ ઝડપી છે. તેને મુખ્યત્વે ODI ટીમથી દૂર રાખવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી કરિયર આવી જ રહી છે
ચહલ ભારત માટે સફેદ બોલથી ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 72 ODI અને 80 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં તેણે 27.13ની એવરેજથી 121 વિકેટ લીધી છે. આ સિવાય ચહલે T20 ઈન્ટરનેશનલમાં 25.09ની એવરેજથી 96 વિકેટ લીધી છે. તેણે જૂન 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.