ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. વિશ્વની બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે યોજાનારી આ સિરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. BCCI આ સિરીઝ માટે 28 ઓક્ટોબરે ટીમની જાહેરાત કરી શકે છે. ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા જે લાંબા સમયથી ટીમની બહાર છે તેને પણ આ ટીમમાં તક મળી શકે છે. 103 ટેસ્ટનો અનુભવ ધરાવનાર પુજારા છેલ્લે ગત વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ લાલ બોલથી રમ્યો હતો.
આવો છે પુજારાનો રેકોર્ડ
36 વર્ષના પુજારાના નામે અત્યાર સુધી રમાયેલી 103 ટેસ્ટ મેચોમાં 7195 રન છે. પુજારા રાજકોટમાં છત્તીસગઢ સામેની એલિટ ગ્રુપ ડી મેચમાં સૌરાષ્ટ્ર માટે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 383 બોલમાં 25 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 234 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે પૂજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.
પૂજારાની સદીએ ઘણા રેકોર્ડ બનાવ્યા
પૂજારા સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારનાર ટોચના ત્રણ ભારતીય ખેલાડીઓની નજીક પણ આવ્યો હતો. તે હાલમાં રાહુલ દ્રવિડથી બે સદી પાછળ છે, જેણે તેની કારકિર્દી દરમિયાન 68 સદી ફટકારી હતી. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર આ યાદીમાં સૌથી આગળ છે, જેમણે પોતાની કારકિર્દીમાં 81-81 સદી ફટકારી છે. છત્તીસગઢ સામેની સદી દરમિયાન પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21 હજાર રનનો આંકડો પણ પાર કર્યો હતો.
ભારત માટે પૂજારાએ 19 સદી ફટકારી
મહાન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પછી આવું કરનાર પુજારા ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 25834 રન સાથે ગાવસ્કર હાલમાં આ યાદીમાં ટોચ પર છે. પૂજારા પાસે 2024માં 6 સદી છે, જે તેણે સૌરાષ્ટ્ર અને સસેક્સ સાથે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ફટકારી છે. પૂજારાની 66 ફર્સ્ટ ક્લાસ સદીઓમાંથી 19 નેશનલ ટીમમાંથી આવી છે.