ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. ત્યાં 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. આ 5 ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે કોઈ લિટમસ ટેસ્ટથી ઓછી નથી. ન્યુઝીલેન્ડ સામે સતત 3 ટેસ્ટ મેચ હાર્યા બાદ રોહિત શર્મા પર ઘણું દબાણ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચવાની આશા પણ ઠગારી નીવડી છે. હવે ભારતે ટાઈટલ મેચ સુધી પહોંચવા માટે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે.


વિરાટ-રોહિતનું ખરાબ ફોર્મ

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનારા ભારતીય દિગ્ગજ બેટ્સમેનો પાસેથી ઓસ્ટ્રેલિયામાં મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. છેલ્લી 5 ટેસ્ટ મેચ કેપ્ટન રોહિત માટે દુઃસ્વપ્નથી ઓછી નથી. તે 10 ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેના ખાતામાં માત્ર 133 રન છે. જ્યારે વિરાટે 5 મેચમાં 192 રન બનાવ્યા હતા.

WTCમાં ભારતનો ટોપ સ્કોરર છે રોહિત

હવે વિરાટ અને રોહિત ઓસ્ટ્રેલિયામાં પોતાના ફોર્મમાં પરત ફરવા માંગશે. ઘણા રેકોર્ડ પણ તેના નિશાના પર હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસમાં રન બનાવવાના મામલે બંને ભારતના ટોચના બેટ્સમેન છે. રોહિત આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 37 ટેસ્ટ મેચની 64 ઇનિંગ્સમાં 2685 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન હિટમેને 9 સદી અને 8 અડધી સદી ફટકારી છે.

12માં સ્થાને છે વિરાટ

વિરાટની વાત કરીએ તો તેણે 41 ટેસ્ટ મેચમાં 2427 રન બનાવ્યા છે. તેની એવરેજ 36.77 રહી છે. વિરાટે 4 સદી અને 11 અડધી સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે 12મા સ્થાને છે. તે રોહિતથી 258 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બંને વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે બેમાંથી કોણ ટોપ સ્કોરર બને છે તે જોવું રહ્યું.

બાબરને પાછળ છોડવાની તક

વિરાટ અને રોહિત પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમને પાછળ છોડવાની તક હશે. બાબર 32 મેચમાં 2760 રન સાથે પાંચમા સ્થાને છે. રોહિત તેનાથી 75 રન અને વિરાટ 333 રન પાછળ છે. હવે જોવાનું એ રહે છે કે બંને ખેલાડીઓ પોતાના કટ્ટર હરીફને પછાડે છે કે નહીં.

  • Follow us on: