• ઈશાન કિશન લાબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર
  • બુચી બાબુ ટ્રોફીમાં ઈશાન કિશનનું શાનદાર પ્રદર્શન
  • ઈશાન કિશને બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને બાંગ્લાદેશ સિરીઝ પહેલા પોતાના સ્થાન માટે દાવો ઠોક્યો છે. બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહેલા ઈશાન કિશને મધ્યપ્રદેશ સામે ટીમને બે વિકેટથી જીત અપાવી હતી. ઈશાન કિશને પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને 114 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. ચોથી ઇનિંગમાં ઝારખંડને જીતવા માટે 138 રન બનાવવાના હતા. અંતમાં ઈશાન કિશને બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

ઈશાન કિશનની શાનદાર વાપસી

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં જગ્યા બનાવવા માટે દરેક ખેલાડી આ સમયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા માંગે છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ઈશાન કિશન પણ વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે મધ્યપ્રદેશ સામેની તેની પ્રથમ મેચમાં આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો.

પ્રથમ ઈનિંમાં મધ્યપ્રદેશની ટીમ 225 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ઝારખંડે 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન પણ ઈશાન કિશને 114 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. બીજા દાવમાં મધ્યપ્રદેશની ટીમ માત્ર 238 રન જ બનાવી શકી હતી. જે બાદ ઝારખંડને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ હતો.

મુશ્કેલ સંજોગોમાં અપાવી જીત

ઇશાન કિશને મધ્યપ્રદેશ સામે પોતાના પ્રદર્શનથી તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા છે. તેણે પ્રથમ દાવમાં ત્રણ શાનદાર કેચ લીધા હતા. આ સિવાય તેણે સદીની ઇનિંગ રમી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ જ્યારે ઝારખંડની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેણે 41 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત તરફ દોરી હતી. એક સમયે ઝારખંડને જીતવા માટે માત્ર 12 રનની જરૂર હતી અને તેણે આઠ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઈશાન કિશને ત્રણ બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

  • Follow us on: