- બુચી બાબુ ટુર્નામેન્ટમાં જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાઈ
- જમ્મુ-કાશ્મીરના બેટ્સમેન શુભમ ખજુરિયાએ શાનદાર બેવડી સદી ફટકારી
- આ મેચમાં તેણે 368 બોલમાં 202 રનની ઇનિંગ રમી હતી
આજે બુચી બાબુ ટુર્નામેન્ટ 2024માં જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં જમ્મુ-કાશ્મીરના બેટ્સમેને શાનદાર દેખાવ કર્યો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ બેવડી સદી આ મેચમાં જોવા મળી હતી, જે જમ્મુ-કાશ્મીરના નામે હતી. આ બેટ્સમેને વિપક્ષી બોલરોની જોરદાર રીતે ધોલાઇ કરી હતી.
શુભમે ફટકારી બેવડી સદી
જમ્મુ અને કાશ્મીર તરફથી છત્તીસગઢ સામે બેટિંગ કરતી વખતે શુભમ ખજુરિયાએ શાનદાર બેવડી સદી ફટકારી છે. આ મેચમાં તેણે 368 બોલમાં 202 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેના બેટમાંથી 17 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરે બનાવ્યા 470+ રન
સમાચાર લખાય ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરે 6 વિકેટ ગુમાવીને 471 રન બનાવ્યા હતા. શુભમ ઉપરાંત જમ્મુ-કાશ્મીર તરફથી બેટિંગ કરતા સાહિત લોત્રાએ પણ શાનદાર સદી ફટકારી હતી. સાહિલે આ મેચમાં 188 બોલમાં 105 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય પારસ ડોગરાએ 73 રન અને અબ્દુલ શમાદે 58 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં શુભમ અને સાહિત વચ્ચે 223 રનની ભાગીદારી જોવા મળી હતી. બાદમાં સાહિલના આઉટ થયા બાદ શુભન અને પારસ વચ્ચે 122 રનની ભાગીદારી જોવા મળી હતી.
ઉત્કર્ષ તિવારીએ ઝડપી 4 વિકેટ
આ સિવાય છત્તીસગઢ તરફથી બોલિંગ દરમિયાન ઉત્કર્ષ તિવારીએ 4 વિકેટ ઝડપી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ પહેલા છત્તીસગઢની ટીમે પ્રથમ દાવમાં 278 રન બનાવ્યા હતા. છત્તીસગઢ તરફથી બેટિંગ કરતા આયુષ પાંડેએ શાનદાર સદી ફટકારી હતી. આયુષે પ્રથમ દાવમાં 138 રન બનાવ્યા હતા. જેમાં તેણે 16 ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય અમનદીપે 65 રન બનાવ્યા હતા.
જમ્મુ-કાશ્મીર તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીર તરફથી આબિદ મુશ્તાકે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય સાહિલ લોત્રાએ 4 વિકેટ લીધી હતી.