• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 માર્ચથી ધર્મશાલામાં ટેસ્ટ સીરિઝની છેલ્લી ટેસ્ટ રમાશે
  • આ મેચ માટે ભાતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા
  • વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ વાપસી કરવા માટે તૈયાર છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 માર્ચથી ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી ટેસ્ટ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કેએલ રાહુલ હજુ પણ અનુપલબ્ધ છે, જ્યારે વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમને લગતા ઘણા અપડેટ જારી કર્યા છે. બોર્ડે મોહમ્મદ શમી વિશે પણ માહિતી આપી છે.

KL રાહુલ બહાર

કેએલ રાહુલ અંગે બીસીસીઆઈએ માહિતી આપી છે કે પાંચમી ટેસ્ટ મેચમાં તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર હતું, પરંતુ તે ફિટ નથી અને સારવાર માટે લંડન ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. તે ધર્મશાલામાં યોજાનારી છેલ્લી ટેસ્ટ મેચમાં નહીં રમે. તેણે સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આ પછી, તે ક્વાડ્રિસેપ્સ (પગ)ની ઈજાને કારણે એક પણ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ ન હતો.

બુમરાહની થશે વાપસી

જસપ્રીત બુમરાહને સીરિઝની ચોથી મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. તેણે પ્રથમ ત્રણ મેચમાં ઘણી બોલિંગ કરી હતી અને તે લાંબા સમયથી ટીમ માટે સતત રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેને એક મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો, હવે બુમરાહ ધર્મશાલા ટેસ્ટ મેચમાં પરત ફરશે. ત્રણ મેચ પછી, જસપ્રીત બુમરાહ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, પરંતુ ચોથી ટેસ્ટમાં તેને ટોમ હાર્ટલીએ પાછળ છોડી દીધો હતો. બુમરાહે 17 અને હાર્ટલીએ 20 વિકેટ ઝડપી છે.


વોશિંગ્ટન સુંદર બહાર

BCCIએ વોશિંગ્ટન સુંદરને લઈને એક અપડેટ આપી છે કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે સતત ટેસ્ટ ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ તક મળી ન હતી. આવી સ્થિતિમાં, તે તામિલનાડુ માટે રણજી ટ્રોફી 2024ની સેમિફાઇનલ મેચ રમતા જોવા મળશે, જે 2 માર્ચથી મુંબઈ સામે છે. રણજી ટ્રોફીની સેમીફાઈનલ રમ્યા બાદ તે ટેસ્ટ ટીમમાં સામેલ થઈ શકે છે. ટીમને જરૂર પડશે તો જ આવું થશે.

છેલ્લી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (c), જસપ્રિત બુમરાહ (vc), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wk), કેએસ ભરત (wk), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ., મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશદીપ.

શમીએ કરાવી સર્જરી

મોહમ્મદ શમી અંગે બોર્ડે માહિતી આપી છે કે 26 ફેબ્રુઆરીએ તેની સર્જરી કરવામાં આવી હતી. તેને તેની જમણી એડીમાં સમસ્યા હતી. તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રીહેબ માટે જશે. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી, પરંતુ તે પછી તે એક પણ મેચ રમ્યો નહોતો અને હવે તે આઈપીએલની સાથે સાથે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ જશે.

  • Follow us on: