- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા
- ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનને 586 કરોડ રૂપિયા આપ્યા
- ભારતની મેચો શ્રીલંકા અથવા યુએઈમાં યોજવામાં આવી શકે છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનને 586 કરોડ રૂપિયા આપ્યા છે. આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે અને તેને લઈને લાંબી ચર્ચા થઈ રહી છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. ભારતની મેચો શ્રીલંકા અથવા યુએઈમાં યોજવામાં આવી શકે છે. ICCએ બજેટ ફાળવ્યું છે. પરંતુ આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
પાકિસ્તાનને 586 કરોડનું બજેટ મંજૂર કર્યું
અહેવાલ અનુસાર ICCએ આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે લગભગ $70 મિલિયનના બજેટને મંજૂરી આપી દીધી છે. ICCના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે BCCI સચિવ જય શાહની આગેવાની હેઠળની ICCની નાણા અને વાણિજ્ય સમિતિએ બજેટને મંજૂરી આપી હતી. અંદાજિત બજેટ સાથે, વધારાના ખર્ચ માટે $4.5 મિલિયનની જોગવાઈ કરવામાં આવી છે. જો 7 કરોડ ડોલરને ભારતીય રૂપિયામાં ફેરવવામાં આવે તો તે લગભગ 586 કરોડ થશે.
પાકિસ્તાન નહીં જાય ભારત!
વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો તેની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં યોજવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ખર્ચમાં વધારો થશે. આ કારણોસર ICCએ પાકિસ્તાન માટે વધારાનું બજેટ ફાળવ્યું છે. જો ટીમ ઈન્ડિયા કોઈ અન્ય સ્થળે રમે છે તો તેના માટે 45 લાખ ડોલર આપવામાં આવ્યા છે. પરંતુ આ રકમ ઓછી હશે તેવો અંદાજ છે.
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCIને મનાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં આવીને રમી શકે. પરંતુ આ થઈ શક્યું નહીં.