પાકિસ્તાને ભારતને 8 વિકેટથી હરાવ્યું. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન માઝ સદકતે એકલા હાથે ભારતીય બોલરોને હેરાન કર્યા. સદકતે 79 રનની અણનમ ઈનિંગ રમી. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને પાકિસ્તાને 14મી ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ Bમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે.
ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરુઆત
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ વૈભવ સૂર્યવંશીને કારણે સારી શરૂઆત આપી હતી. તેને 28 બોલમાં 45 રન બનાવ્યા હતા, જ્યારે નમન ધીરે પણ 20 બોલમાં 35 રન બનાવીને પાકિસ્તાની બોલરોને હેરાન કર્યા હતા. પરંતુ અન્ય કોઈ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો ન હતો. કેપ્ટન જીતેશ શર્મા અને આશુતોષ શર્મા પણ નિષ્ફળ ગયા. પરિણામે ભારતીય ઈનિંગ ફક્ત 136 રન સુધી મર્યાદિત રહી.













