બે મેચની ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે 30 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. સાઉથ આફ્રિકાએ આ 3 દિવસીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિરિઝમાં 1-0થી લીડ મેળવી. ભારતીય ટીમને જીતવા માટે 124 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ ગિલની ટીમ ફક્ત 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ટીમના પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરી
આ રીતે સાઉથ આફ્રિકાની ટીમ 15 વર્ષ પછી ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી. કોલકાતામાં વિજય બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તેને ટીમના પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરી.
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં બાવુમાએ કહ્યું કે "આ ખૂબ જ રોમાંચક મેચ હતી. તમે આવી મેચોનો ભાગ બનવા માગો છો, ખાસ કરીને જ્યારે પરિણામ તમારી તરફેણમાં હોય. અમે શક્ય તેટલી મેચ પર અમારી પકડ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. બોલરોએ અમને મેચમાં પાછા લાવ્યા અને મારી કોર્બિન સાથે સારી પાર્ટનરશીપ કરી હતી. સવારે વિકેટ એટલી મુશ્કેલ ન હતી, તેથી અમે પાર્ટનરશીપ બનાવવામાં સફળ રહ્યા."
બેટિંગમાં મુશ્કેલીઓનો સામનો
તેને વધુમાં કહ્યું કે "અમે શક્ય તેટલી મેચમાં ટકી રહેવાનો પ્રયાસ કર્યો. 120-125 રન બનાવીને વિજયી સ્કોર હાંસલ કરવો હંમેશા શક્ય નથી. તે ફક્ત મેચમાં ટકી રહેવા અને આત્મવિશ્વાસ જાળવી રાખવાની વાત હતી. અમને ખબર હતી કે અમને બેટિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને અમે તેમ કર્યું, પરંતુ અમને મળેલી દરેક તકનો લાભ ઉઠાવવાનો હતો. અમારા સાથી ખેલાડીઓએ તેનો શાનદાર રીતે ઉપયોગ કર્યો અને સદભાગ્યે બધું અમારા મતે થયું."
ભારતમાં આવવું એ દરેક માટે એક ખાસ અનુભવ
ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળ સાઉથ આફ્રિકા એક પણ મેચ હાર્યું નથી. બાવુમાએ કહ્યું કે આ ટીમના મજબૂત પ્રદર્શનને કારણે છે. એક બેટ્સમેન તરીકે, તે શક્ય તેટલું બેટિંગ કરવા માગતો હતો અને પ્રદર્શન કરવા માટે ભારતમાં આવવું એ દરેક માટે એક ખાસ અનુભવ છે. કોલકાતા ટેસ્ટમાં વિજયથી સાઉથ આફ્રિકાનો આત્મવિશ્વાસ વધ્યો છે અને મુલાકાતી ટીમ હવે સિરિઝની આગામી મેચમાં આ ગતિ ચાલુ રાખવાનું લક્ષ્ય રાખશે.