14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની પહેલી જ મેચમાં ધૂમ મચાવી હતી. તેને યુએઈ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીની આ ઈનિંગના આધારે ઈન્ડિયા A ટીમે પહેલી મેચમાં સરળતા જીત નોંધાવી હતી.
વૈભવ સૂર્યવંશીએ 42 બોલમાં કુલ 144 રન બનાવ્યા હતા અને એક સમયે એવું લાગતું હતું કે તે બેવડી સદી ફટકારશે પરંતુ 13મી ઓવરમાં તે બાઉન્ડ્રી પાસે કેચ આઉટ થઈ ગયો હતો. BCCIએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં વૈભવ સૂર્યવંશીએ જણાવ્યું છે કે તેના પિતા ક્યારેય તેના પ્રદર્શનથી સંતુષ્ટ નથી.
સૂર્યવંશીના પિતા તેની ઈનિંગથી સંતુષ્ટ નથી!
BCCIએ વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઈનિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો. સૂર્યવંશીએ તેના પિતાને ફોન કરીને તેની શાનદાર સદી વિશે પૂછ્યું. તેના પિતાએ મજાકમાં તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે ખોટો શોટ રમીને આઉટ થયો. ફોન કાપી નાખ્યો પછી સૂર્યવંશીએ કહ્યું કે "મારા પિતા ક્યારેય મારા પ્રદર્શનથી સંતુષ્ટ નથી. જો હું 200 રન બનાવું તો પણ તે કહેશે કે હું 10 વધુ રન બનાવી શક્યો હોત. ભલે હું સદી ફટકારું કે શૂન્ય પર આઉટ થાઉં, મારી માતા હંમેશા મને બેટિંગ કરતા જોઈને ખુશ થાય છે. તે મને સારું કરતા રહેવાનું કહે છે."
વૈભવે વિસ્ફોટક ઈનિંગ વિશે શું કહ્યું?
સૂર્યવંશીએ UAE સામેની 144 રનની ધમાકેદાર ઈનિંગમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. વીડિયોમાં પોતાની ઈનિંગ વિશે વાત કરતા વૈભવે કહ્યું કે "હું કંઈ અલગ કરવાનો પ્રયાસ કરતો નથી. હું ફક્ત બાળપણથી જે શીખ્યો છું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું. મેં જે પણ કામ કર્યું છે, તેને મેદાનમાં લાવવાનો પ્રયાસ કરું છું."
તેને વધુમાં કહ્યું કે "જો હું કંઈક અલગ કરવાનો પ્રયાસ કરું જે મારી રમતનો ભાગ નથી, તો તેનો ટીમને કોઈ ફાયદો થશે નહીં. જો હું થોડો વધુ સમય રહ્યો હોત, તો હું 20-30 વધુ રન બનાવી શક્યો હોત. મેં મારા માટે એક વ્યક્તિગત રેકોર્ડ બનાવ્યો છે."