ભારતીય ક્રિકેટ ટીમે ઓમાન સામેની મેચ 21 રનથી જીતી અને સુપર 4માં સ્થાન મેળવ્યું. ઓમાન સામે પહેલા બેટિંગ કરતા ભારતીય ક્રિકેટ ટીમે 188 રન બનાવ્યા. ત્યારબાદ ઓમાન ફક્ત 167 રન જ બનાવી શકી. ભારતની પહેલી સુપર 4 મેચ હવે 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. પરંતુ તે પહેલાં પણ હાર્દિક પંડ્યાને ઓમાન સામેની મેચ માટે ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
આસિસ્ટન્ટ દયાનંદ ગરાણીએ હાર્દિક પંડ્યાને આપ્યું મેડલ
ઓમાન સામેની મેચ પછી હાર્દિક પંડ્યાને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ટ્રેનિંગ આસિસ્ટન્ટ દયાનંદ ગરાણીએ તેમને ખાસ મેડલ આપતાં કહ્યું કે "આ મેડલ હાર્દિકને જાય છે, જે બધાનું ગૌરવ અને સન્માન છે."
હાર્દિકે કહ્યું કે "અમારી ટીમ સારી છે. બધાએ સાથે મળીને પોતાનો રોલ પ્લે કર્યો." ત્યારબાદ હાર્દિકે દયાનંદને મેડલ પરત આપતા કહ્યું કે "તમે આ મેડલ મારા તરફથી રાખશો. આ તમે ફિલ્ડિંગમાં કરેલી મહેનત માટે છે."
ઓમાન સામેની મેચમાં લીધી 1 વિકેટ
ઓમાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઉભો હતો ત્યારે સંજુ સેમસન સ્ટ્રોક માર્યો. હાર્દિક રન લેવા માટે આગળ વધ્યો અને બોલ ઓમાનના બોલરના હાથમાંથી ઉછળીને સ્ટમ્પ પર અથડાયો. જેના કારણે તે અનોખી રીતે રનઆઉટ થયો. તે મેચમાં 1 બોલમાં ફક્ત 1 રન જ બનાવી શક્યો. ત્યારબાદ તેને 4 ઓવર ફેંકી, 26 રન આપીને 1 વિકેટ લીધી.
હાર્દિકે ફિલ્ડિંગમાં મચાવી ધૂમ
એક સમયે ભારત સામે ઓમાન સારી સ્થિતિમાં જોવા મળ્યું હતું, જેમાં આમિર કલીમ અને હમ્માદ મિર્ઝા સારી બેટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ હાર્દિકે હર્ષિત રાણાના બોલ પર એક શાનદાર કેચ પકડીને આમિરને આઉટ કર્યો, જે 64 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ ઓમાનની બેટિંગ પડી ભાંગી, જેના કારણે તેઓ ફક્ત 167 રન જ બનાવી શક્યા.