એશિયા કપ સપ્ટેમ્બર 2025માં યોજાવાની છે. પરંતુ તેમાં ભારતની પાર્ટનરશીપ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. ACCની બેઠક 24 જુલાઈ 2025 ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં યોજાવાની છે. પરંતુ BCCI એ આ બેઠકમાં હાજરી આપવાની ના પાડી દાધી છે અને કહ્યું છે કે જો સ્થળ બદલવામાં નહીં આવે તો ભારત એશિયા કપને બોયકોટ કરશે.


BCCIનો મોટો નિર્ણય

મીડિયા રિપોર્ટ મુજબ BCCI એ ACC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીને કહ્યું છે કે જો એશિયા કપ અંગે ઢાકામાં બેઠક યોજાશે, તો તેઓ ટુર્નામેન્ટ અંગે આપવામાં આવેલા કોઈપણ ઉકેલને બોયકોટ કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં રાજકીય સંબંધો તણાવપૂર્ણ છે. તેથી જ BCCI એ આ નિર્ણય લીધો છે.

સૂત્રએ જણાવ્યું હતું કે 'એશિયા કપ ત્યારે જ થશે જ્યારે ACC મીટિંગનું સ્થળ ઢાકાથી બદલીને બીજે ક્યાંક કરવામાં આવે. મોહસીન નકવી એશિયા કપ માટે ભારત પર બિનજરૂરી દબાણ કરી રહ્યા છે. તેમને ઈવેન્ટનું સ્થળ બદલવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. જો મીટિંગ ઢાકામાં યોજાશે, તો BCCI કોઈપણ પ્રકારના ઉકેલને બોયકોટ કરશે.'

બીસીસીઆઈને અન્ય ક્રિકેટ બોર્ડનો મળી રહ્યો છે સપોર્ટ

રિપોર્ટ મુજબ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઓમાનએ પણ ઢાકામાં યોજાનારી બેઠકનો ભાગ બનવાની ના પાડી દીધી છે. આ વિરોધ છતાં મોહસીન નકવીએ પોતાનો નિર્ણય બદલ્યો નથી. ACC ના નિયમો મુજબ જો ભારત જેવો મોટો દેશ બેઠકમાં હાજરી નહીં આપે, તો કોઈ પણ નિર્ણય માન્ય રહેશે નહીં. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અન્ય કોઈ જગ્યાએ બેઠકનું આયોજન નહીં કરે, તો તેનો સ્પષ્ટપણે કોઈ અર્થ રહેશે નહીં. બેઠક માટે માત્ર 5 દિવસ બાકી છે અને આ પરિસ્થિતિમાં ACC પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાનું દબાણ રહેશે.

ભારતના દબાણને કારણે એશિયા કપ રદ્દ થશે?

એશિયા કપ સપ્ટેમ્બર 2025 માં યોજાવાનો છે પરંતુ જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો ટુર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી શકે છે અથવા રદ્દ પણ થઈ શકે છે. BCCI એશિયન ક્રિકેટ કાઉન્સિલનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જો ભારત ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.


  • Follow us on: