એશિયા કપ માટે દરેક ટીમો લગભગ તૈયાર છે. ટીમો ટૂંક સમયમાં દુબઈ અને અબુ ધાબીમાં આવવાનું શરૂ કરશે. આ વખતે ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ થશે.
આ દરમિયાન તમને કેટલાક આંકડા અને રેકોર્ડ્સ જાણવા જોઈએ જે તમને કદાચ ખબર નહીં હોય. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં સદી ફટકારનારા ભારતીય કેપ્ટન કોણ છે.
એશિયા કપમાં અત્યાર સુધીમાં ચાર ભારતીય કેપ્ટનોએ ફટકારી છે સદી
એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફક્ત ચાર ભારતીય કેપ્ટનોએ સદી ફટકારી છે. પરંતુ આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, પરંતુ કેપ્ટન તરીકે સદી ફટકારનારા ખેલાડીઓએ ODI એટલે કે 50 ઓવરની મેચમાં સદી ફટકારી હતી. T20 એશિયા કપમાં સદી ફટકારનાર પહેલા કેપ્ટનની શોધ ચાલુ છે.
સૌરવ ગાંગુલીએ વર્ષ 2000 માં કેપ્ટન તરીકે ફટકારી હતી સદી
સૌપ્રથમ જે નામ મનમાં આવે છે તે સૌરવ ગાંગુલીનું છે. સૌરવ ગાંગુલી વર્ષ 2000 સુધીમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન બન્યા હતા અને તે વર્ષે એશિયા કપ રમાયો હતો, તે સમયે તે ફક્ત 50 ઓવરના ફોર્મેટમાં રમાતો હતો. સૌરવ ગાંગુલીએ તે વર્ષે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પછી જ્યારે 2008 માં ફરીથી એશિયા કપ યોજાયો ત્યારે એમએસ ધોની ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે વર્ષે મહેન્દ્ર સિંહ ધોનીએ હોંગકોંગ સામે શાનદાર સદી ફટકારી હતી.
એશિયા કપમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ફટકારી છે સદી
2014માં જ્યારે એશિયા કપ ફરીથી ODI ફોર્મેટમાં રમાયો, ત્યારે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી લીધી હતી. તે વર્ષે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. 2018માં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તે વર્ષે તેને પાકિસ્તાન સામે આક્રમક સદી ફટકારી હતી. આ ચાર કેપ્ટન છે જેને કેપ્ટન રહીને ભારતીય ટીમ માટે સદી ફટકારી છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં ઘણા ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે, પરંતુ તેઓ કેપ્ટન ન તા.
T20 એશિયા કપમાં અત્યાર સુધી ફક્ત બે ખેલાડીઓએ ફટકારી છે સદી
જો આપણે T20 ફોર્મેટમાં રમાતા એશિયા કપની વાત કરીએ, તો તે અત્યાર સુધીમાં ફક્ત બે વાર જ આયોજિત થયું છે અને આ સમયગાળા દરમિયાન ફક્ત બે સદી ફટકારવામાં આવી છે. પરંતુ બંને પોતાની ટીમના કેપ્ટન ન હતા. વર્ષ 2022 માં જ્યારે T20 માં એશિયા કપ યોજાયો હતો, ત્યારે વિરાટ કોહલીએ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં હતી.
સૂર્યકુમાર યાદવ પાસે સુવર્ણ તક
આ પહેલા 2016ના T20 એશિયા કપમાં હોંગકોંગના બાબર હયાતે પણ 122 રન બનાવ્યા હતા, પરંતુ તે સમયે ટીમનું નેતૃત્વ તનવીર અફઝલ કરી રહ્યો હતો. આ વખતે ફરીથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. એટલે કે, જો ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેમાં સદી ફટકારે છે, તો તે કેપ્ટન રહીને T20 એશિયા કપમાં સદી ફટકારનાર પહેલો કેપ્ટન બનશે.













