એશિયા કપ 2025ને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ તાજેતરના સમયમાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યો છે. BCCI એ ઢાકામાં એશિયા કપ સંબંધિત બેઠકમાં હાજરી આપવાની ના પાડી હોવાથી ભારતની તેમાં ભાગીદારી શંકાસ્પદ હતી.
હવે એશિયા ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવીએ એશિયા કપ વિશે ઓફિશિયલ રીતે માહિતી આપી છે. તે T20 ફોર્મેટમાં હશે.
એશિયા કપ 2025 ક્યારે અને ક્યાં યોજાશે?
મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે એશિયા કપ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેમને તારીખ પણ જાહેર કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે, જ્યારે તેની ફાઈનલ 28 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. મોહસીન નકવીએ એમ પણ કહ્યું કે વિગતવાર શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

એશિયા કપમાં 8 ટીમો લેશે ભાગ
ઢાકામાં ACC ની બેઠક બાદ એક રિપોર્ટ બહાર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, હોંગકોંગ, ઓમાન અને UAE એશિયા કપ 2025 ની ટ્રોફી માટે સ્પર્ધા કરતી જોવા મળશે. આ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ટુર્નામેન્ટના દરેક મેચનું શેડ્યૂલ અને સ્થળ આગામી 24 થી 48 કલાકમાં જાહેર થઈ શકે છે.
14 સપ્ટેમ્બરે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ફેન્સ સૌથી વધુ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટમાં પહેલાથી જ દાવો કરવામાં આવ્યો છે કે આ બંને ટીમોને ઈવેન્ટ દરમિયાન એક જ ગ્રુપમાં રાખવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ 14 સપ્ટેમ્બરે યોજાવાની શક્યતા છે. એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે અને મીડિયા રિપોર્ટ મુજબ 19 મેચ રમાશે.