અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ઓમાન સામે રમાયેલી એશિયા કપ 2025 ની લીગ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા નહોતા. આ ઘટનાએ ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સામાન્ય રીતે ત્રીજા ક્રમે બેટિંગ કરતા સૂર્યકુમાર ઓપનર શુભમન ગિલના આઉટ થયા બાદ પણ બેટિંગ કરવા ન આવતા, ચાહકો તેમની બેટિંગની રાહ જોતા જ રહ્યા. જ્યારે કેમેરા તેમના પર ગયો, ત્યારે તેઓ પેડ પહેરીને બેઠેલા જોવા મળ્યા હતા, પરંતુ તેમણે બેટિંગ માટે આવવાનું ટાળ્યું હતું. આ પાછળનું કારણ એ હતું કે તેઓ એવા ખેલાડીઓને તક આપવા માગતા હતા, જેમને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં પૂરતી તક મળી નહોતી.
ટીમમાં પ્રયોગ અને બેટિંગ ઓર્ડરમાં ફેરફાર
ઓમાન સામેની આ મેચમાં સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવાની સાથે બેટિંગ ઓર્ડરમાં પણ મોટા પ્રયોગો કર્યા હતા. તેમણે અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, અને હર્ષિત રાણા જેવા ખેલાડીઓને બેટિંગનો મોકો આપ્યો, જેથી તેઓ મેચ પ્રેક્ટિસ મેળવી શકે અને સુપર-4 પહેલા પોતાની ફોર્મ સાબિત કરી શકે. સૂર્યકુમારનો આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ ટૂર્નામેન્ટના મહત્વના તબક્કા પહેલા બેન્ચ પર બેઠેલા ખેલાડીઓની ક્ષમતા ચકાસવા માંગતા હતા અને ટીમને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રાખવા માંગતા હતા. આ પ્રયોગ ટીમની બેટિંગની ઊંડાઈ અને લવચીકતાને પણ દર્શાવે છે.













