એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. આ પછી પાકિસ્તાને ICC પાસે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર કરવાની માગ કરી હતી. પરંતુ ICCએ આ માગણી ફગાવી દીધી હતી.
આ પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં ન રમવાની ધમકી આપી હતી. આ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી રમીઝ રાજાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પર ગંભીર આરોપ લગાવ્યો હતો અને તેને ટીમ ઈન્ડિયાનો ફિક્સર પણ કહ્યા હતા. પરંતુ હવે રમીઝનું નિવેદન સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે.
રમીઝ રાજાનું ખુલ્યું રહસ્ય
રમીઝ રાજાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પર ગંભીર આરોપ લગાવ્યો હતો, તેમને ટીમ ઈન્ડિયા માટે ફિક્સર ગણાવ્યા હતા. રમીઝે પાયક્રોફ્ટ પર ભારત માટે 90 મેચોમાં અમ્પાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. રમીઝના મતે એન્ડી પાયક્રોફ્ટે ભારતની મેચોમાં જરૂર કરતાં વધુ રેફરી તરીકે સેવા આપી છે. આ આંકડાને ટાંકીને રમીઝ રાજાએ પાયક્રોફ્ટને ટીમ ઈન્ડિયા માટે ફિક્સર ગણાવ્યો હતો, પરંતુ તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર છતું થયું છે.
ગાર્ગી રાવત નામના એક સોશિયલ મીડિયા યુઝરે રમીઝના નિવેદનનો પર્દાફાશ કર્યો. તેને સોશિયલ મીડિયા પર લખ્યું કે પાયક્રોફ્ટે 535 મેચમાં રેફરી તરીકે સેવા આપી છે, જેમાં ભારતની મેચમાં 124 મેચનો સમાવેશ થાય છે. તેમને ઈંગ્લેન્ડ માટે 107 વખત અને પાકિસ્તાનની મેચમાં 102 વખત મેચ રેફરી તરીકે પણ સેવા આપી છે. રમીઝના નિવેદનની હવે સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.
યુઝર્સ માને છે કે એન્ડી પાયક્રોફ્ટે ભારત માટે 107 અને પાકિસ્તાન માટે 102 મેચમાં એમ્પાયરિંગ કર્યું છે. તેમના આંકડા લગભગ સમાન છે, તો પાયક્રોફ્ટ ફિક્સર કેવી રીતે હોઈ શકે?
17 સપ્ટેમ્બરના રોજ થયો હતો આ ડ્રામા
મેચ રેફરીને પ્રતિબંધિત કરવાની પાકિસ્તાનની માગણી ICC દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પરિણામે UAE સામે પાકિસ્તાનની મેચ 17 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. પાકિસ્તાને મેચ રમવાની ના પાડી હતી. પરંતુ ICCએ બાદમાં પાકિસ્તાન પર દબાણ કર્યું અને અંતે પાકિસ્તાનને UAE સામે મેચ રમવાની ફરજ પડી. પરંતુ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:00 વાગ્યે શરૂ થઈ, જે શેડ્યુલ કરતાં એક કલાક મોડી હતી.