ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025 માટે દુબઈ રવાના થઈ ગઈ છે. આ પહેલા બીસીસીઆઈ અને ડ્રીમ 11 વચ્ચે જર્સી સ્પોન્સરશિપ ડીલ સમાપ્ત થઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં બીસીસીઆઈએ નવા સ્પોન્સરશિપ માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે.
ટીમ ઈન્ડિયા કોઈપણ જર્સી સ્પોન્સરશિપ વિના એશિયા કપમાં રમશે. ડ્રીમ 11 સાથેનો ડીલ સમાપ્ત થયા પછી ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો ફર્સ્ટ લુક બહાર આવ્યો છે. જુઓ ટીમ ઈન્ડિયાની નવી જર્સી કેવી છે.
કેવી છે ટીમ ઈન્ડિયાની નવી જર્સી?
એશિયા કપ 2025 પહેલા ભારતીય ટીમની નવી જર્સીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. નવી જર્સીમાં જોઈ શકાય છે કે ટી-શર્ટ પર કોઈ સ્પોન્સરનું નામ નથી. જર્સીની ડાબી બાજુ BCCIનો લોગો છે, જ્યારે જમણી બાજુ DP World Asia Cup 2025 લખેલું છે. DP World એશિયા કપ 2025નું સ્પોન્સર છે. આ સિવાય જર્સી પર ફક્ત ભારતનું નામ લખેલું છે. એવું માનવામાં આવતું હતું કે ભારતીય ટીમ કોઈપણ જર્સી સ્પોન્સર વિના એશિયા કપમાં રમશે. પરંતુ હવે આ સમાચાર સાચા પડ્યા છે.
ડ્રીમ 11 અને બીસીસીઆઈ વચ્ચેનો ડીલ થઈ રદ્દ
ડ્રીમ 11 અને બીસીસીઆઈ વચ્ચેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. વર્ષ 2023માં ડ્રીમ 11 ટીમ ઈન્ડિયાનું જર્સી સ્પોન્સર બન્યું. આ ડીલ 3 વર્ષ માટે હતી. પરંતુ આ ડીલ સમય કરતા 6 મહિના પહેલા જ રદ્દ કરવામાં આવી હતી. કારણ કે કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં ઓનલાઈન ગેમિંગ સુધારા 2025માં મોટો ફેરફાર કર્યો હતો અને નાણાંની લેવડદેવડ કરતી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ડ્રીમ 11ને મોટો ઝટકો લાગ્યો હતો. હવે બીસીસીઆઈએ નવી જર્સી સ્પોન્સરશિપ શોધવાનું શરૂ કર્યું છે.
9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે એશિયા કપ
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમવાની છે. આ પછી, 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ રમાશે. 19 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા ઓમાન સામે ટકરાશે.