સુપર 4 ક્વોલિફાઈંગ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. આ સાથે રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાનિસ્તાન સુપર 4 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. શ્રીલંકાની જીતથી બાંગ્લાદેશ પણ સુપર 4 માટે ક્વોલિફાય થયું.
શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન કુસલ મેન્ડિસ મેચનો હીરો રહ્યો. આ શક્તિશાળી બેટ્સમેને અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીની તોફાની ઈનિંગને બગાડી નાખી.
સુપર 4 માટે ક્વોલિફાય થયું શ્રીલંકા
શ્રીલંકાએ એશિયા કપમાં લીગ સ્ટેજની ત્રણેય મેચ જીતી હતી અને ગ્રુપ Bમાં સૌથી વધુ 6 પોઈન્ટ મેળવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાંગ્લાદેશને સુપર 4માંથી બહાર કરી દેત, પરંતુ શ્રીલંકાની જીતથી અફઘાનિસ્તાન બહાર થઈ ગયું છે અને બાંગ્લાદેશ સુપર 4માં પહોંચી ગયું છે.
ગ્રુપ A માંથી ભારત અને પાકિસ્તાન પહેલાથી જ સુપર 4 માટે ક્વોલિફાય થઈ ગયા છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ હવે ગ્રુપ B માંથી ફાઈનલ થઈ ગયા છે. પહેલી સુપર 4 મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે શનિવાર 20 સપ્ટેમ્બરના રોજ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી મેચ 21 સપ્ટેમ્બર રવિવારના રોજ રમાશે. સુપર 4 સ્ટેજમાં બધી ટીમો 3-3 મેચ રમશે.
શ્રીલંકાએ 6 વિકેટે જીતી મેચ
અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ તેને ઘણી વિકેટ ગુમાવી દીધી. શ્રીલંકાએ 79 રનના સ્કોર સાથે અફઘાનિસ્તાનના 6 ખેલાડીઓને આઉટ કર્યા. પરંતુ મોહમ્મદ નબીના 22 બોલમાં 60 રનની મદદથી અફઘાનિસ્તાનની આશા જીવંત રહી અને શ્રીલંકાને 170 રનનો ટાર્ગેટ આપ્યો.
શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે ધમાકેદાર ઈનિંગ રમી. તેને 52 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 74 રન બનાવ્યા. મેન્ડિસની ઈનિંગને કારણે શ્રીલંકાએ 8 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી.