ભારતીય ટીમે T20 એશિયા કપ 2025 માં UAE ટીમને 9 વિકેટથી હરાવી દીધી છે. કુલદીપ યાદવ, શિવમ દુબે, અભિષેક શર્માએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીઓ જીતમાં મોટા હીરો સાબિત થયા.
આ ખેલાડીઓના કારણે જ ટીમ જીત નોંધાવવામાં સફળ રહી. UAE ટીમ પહેલા બેટિંગ કરતી વખતે ફક્ત 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પછી ભારતે ફક્ત 4.3 ઓવરમાં સરળતાથી ટાર્ગેટ હાંસલ કરી લીધો.
અભિષેક શર્માની મજબૂત બેટિંગ
ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલે જોરદાર બેટિંગ કરી. આ બંને ખેલાડીઓએ તોફાની રીતે રન બનાવ્યા. અભિષેકે 16 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. તેના સિવાય ગિલે 9 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. સૂર્યાએ 7 રન બનાવ્યા. ભારતીય ટીમે માત્ર 4.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો અને જીતથી 2 પોઈન્ટ પણ મેળવ્યા.
યુએઈના બેટ્સમેન રહ્યા ફ્લોપ
UAE તરફથી અલીશાન શરાફૂ અને મુહમ્મદ વસીમે થોડો સમય ક્રીઝ પર રહેવાનો પ્રયાસ કર્યો. આ બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 26 રનની પાર્ટનરશીપ પણ કરી. પરંતુ અલીશાન આઉટ થતાં જ UAEની ઈનિંગ પત્તાના ઢગલાની જેમ પડી ગઈ. અલીશાન 22 રન બનાવીને આઉટ થયો. UAEના કેપ્ટન મુહમ્મદ વસીમે 19 રન બનાવ્યા. વસીમ અને અલીશાન સિવાય UAE ટીમનો કોઈ પણ ખેલાડી બે આંકડા સુધી પહોંચી શક્યો નહીં. આ કારણે ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી નહીં અને માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં UAE ટીમનો આ સૌથી ઓછો સ્કોર પણ છે.
કુલદીપ યાદવે મચાવી ધૂમ
કુલદીપ યાદવ યુએઈ ટીમ માટે સૌથી મોટો કિલર બન્યો. તેને પોતાની 2.1 ઓવરમાં કુલ 4 વિકેટ લીધી અને માત્ર 7 રન આપ્યા. યુએઈના બેટ્સમેનો તેની સામે ટકી શક્યા નહીં અને ખરાબ રીતે ફ્લોપ રહ્યા. લાંબા સમય પછી બોલિંગ કરનારા શિવમ દુબેએ પણ 3 વિકેટ લીધી. આ 2 બોલરોએ યુએઈના બોલરોને સંપૂર્ણપણે બાંધી દીધા. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ લીધી.