શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ટીમનો કેપ્ટન અને એશિયા કપ 2025માં T20 ટીમનો વાઈસ કેપ્ટન છે.


શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે અને ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં પંજાબ માટે રમે છે. શુભમન ગિલ 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન રહી ચૂક્યો છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

શુભમન ગિલ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર અને ભારતીય ટીમ માટે વ્યક્તિગત દ્વારા સૌથી વધુ T20I સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. તેને 2017માં વિદર્ભ સામે લિસ્ટ-Aમાં ડેબ્યૂ કર્યું હતું અને 2017-18 રણજી ટ્રોફીમાં બંગાળ સામે પંજાબ તરફથી ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જાન્યુઆરી 2019માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તે IPLમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન પણ છે.

શુભમન ગિલના માતા-પિતા

શુભમન ગિલના પિતાનું નામ લખવિંદર સિંહ છે, જેઓ ખેડૂત તરીકે કામ કરતા હતા. લખવિન્દર સિંહ ક્રિકેટર બનવાની ઈચ્છા રાખતા હતા પરંતુ તે ક્રિકેટર બની શક્યા ન હતા. પરંતુ તેમને નાની ઉંમરમાં જ શુભમનની ક્ષમતા ઓળખી લીધી હતી. શુભમનના ક્રિકેટ કરિયર માટે ગિલના પિતા પરિવાર સાથે પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નજીક મોહાલી ખાતે શિફટ થયા હતા, જેથી શુભમન ગિલ સારી ટ્રેનિંગ મેળવી શકે. શુભમન ગિલની માતાનું નામ કરીત ગિલ છે. તે એક ગૃહિણી છે જેમણે હંમેશા તેના પુત્રને પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સફરમાં સાથ આપ્યો હતો.

કોણ છે શુભમન ગિલની બહેન?

શાહનીલ ગિલ શુભમન ગિલની મોટી બહેન છે. તે 437k ફોલોઅર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર અત્યંત પોપ્યુલર છે. તેની પોપ્યુલારિટીનું કારણ તેની ફેશન સેન્સ છે, અને તે હંમેશા તેના શાનદાર આઉટફિટથી ફેન્સનું ધ્યાન ખેંચે છે. તે શુભમન સાથેનો ગાઢ બોન્ડ શેર કરે છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રીતે જોવા મળે છે, ફની વીડિયો બનાવે છે અને ટ્રાવેલિંગની તસવીરો પોસ્ટ કરે છે.

શુભમન ગિલ વિશે અજાણી વાતો

સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ તેમના રોલ મોડલ છે, જેમણે તેને પ્રોફેશનલ ક્રિકેટર બનવાની પ્રેરણા આપી હતી. તે 11 વર્ષની ઉંમરે પંજાબની અંડર-16 ટીમમાં પસંદગી થયો હતો જ્યાં તેને માત્ર પાંચ મેચમાં રેકોર્ડ-બ્રેક 330 રન બનાવ્યા હતા. 2014માં તેને વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પંજાબ માટે તેની પ્રથમ U-16 રાજ્ય સ્તરની મેચમાં બેવડી સદી ફટકારી હતી. BCCIએ તેમને 2013-14 સેશનમાં બેસ્ટ U-16 ક્રિકેટર તરીકેના અદ્ભુત પ્રદર્શન માટે એમએ ચિદમ્બરમ ટ્રોફીથી સન્માનિત કર્યા હતા. શુભમન ગિલ બેટિંગ કરતી વખતે હંમેશા લાલ રૂમાલ સાથે રાખે છે. તે રુમાલને લકી માને છે, તેથી તે સાથે રાખે છે. આ વાતનો ખુલાસો શુભમન ગિલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.


  • Follow us on: