એશિયા કપ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રમત મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેશે નહીં. આસિવાય પાકિસ્તાની ટીમોને ભારતમાં દ્વિપક્ષીય મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રમત મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈપણ દ્વિપક્ષીય રમત સ્પર્ધામાં ભાગ લેશે નહીં, પરંતુ ક્રિકેટ ટીમને આવતા મહિને એશિયા કપમાં રમવાથી રોકવામાં આવશે નહીં.
મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રહેશે
રમતગમત મંત્રાલયે ભારતીય ટીમ અંગે નવી નીતિ જાહેર કરી છે. આ નીતિ તાત્કાલિક અમલમાં છે. મંત્રાલયની નીતિમાં જણાવાયું છે કે પાકિસ્તાન સંબંધિત રમતગમતની ઘટનાઓ પ્રત્યે ભારતનો અભિગમ તે દેશ સાથેના વ્યવહારમાં તેની એકંદર નીતિને પ્રતિબિંબિત કરે છે.

તેમાં વધુમાં જણાવાયું છે કે જ્યાં સુધી એકબીજાના દેશમાં દ્વિપક્ષીય રમતગમતની ઘટનાઓનો સંબંધ છે, ત્યાં સુધી ભારતીય ટીમો પાકિસ્તાનમાં સ્પર્ધાઓમાં ભાગ લેશે નહીં. તેમજ અમે પાકિસ્તાની ટીમોને ભારતમાં રમવાની મંજૂરી આપીશું નહીં. પરંતુ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ પર કોઈ અસર થશે નહીં.
રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે અમે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમવાથી રોકીશું નહીં કારણ કે તે મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ છે. તેમને વધુમાં કહ્યું કે પરંતુ પાકિસ્તાનને દ્વિપક્ષીય સ્પર્ધાઓ માટે ભારતીય ભૂમિ પર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ અમે તેમને મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેતા અટકાવીશું નહીં કારણ કે અમે ઓલિમ્પિક ચાર્ટરનું પાલન કરીશું.
એશિયા કપમાં થશે ટક્કર
ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બર એટલે કે રવિવારે એશિયા કપ 2025માં એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. બંને ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન સિવાય ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં UAE અને ઓમાનનો પણ સામનો કરશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે. આ પછી ભારતીય ટીમ તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ગ્રુપ-Aમાં ટીમ ઈન્ડિયા તેની ત્રીજી અને છેલ્લી મેચ ઓમાન સામે રમશે.