T20 વર્લ્ડકપ 2026 પહેલા જ એક નવો વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હવે ICC ને ભારતમાં તેની મેચો ન યોજવા વિનંતી કરવાની યોજના બનાવી રહ્યું છે. BCCI એ અગાઉ KKR ને મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી રિલીઝ કરવા સૂચના આપી હતી.
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રાજકીય સંબંધો બગડી રહ્યા છે અને BCCIનો આ નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે. એવું લાગે છે કે, પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશની ટીમ પણ 2026 T20 વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં આવે.
બીસીબીનો આઈસીસીને મોટો સવાલ
મુસ્તફિઝુર રહેમાનના રિલીઝ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટરોએ એક બેઠક યોજી હતી. મીડિયા સાથે વાત કરતા, મીડિયા કમિટીના ચેરમેને કહ્યું કે "કોલકાતામાં અમારી ત્રણ T20 વર્લ્ડકપ મેચ છે. તેથી અમે ICCને શું થયું તે વિશે લખીશું." BCBનો ICC ને સવાલ કોલકાતામાં ખેલાડીઓની સલામતીને લઈને હશે.
બાંગ્લાદેશની ટીમ ભારતમાં મેચ નહીં રમે
બાંગ્લાદેશના રમતગમત સલાહકારે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે તેમને ભારતમાં ખેલાડીઓની સલામતી અંગે ચિંતા છે. તેમને બીસીબીને સૂચના આપી છે કે તેઓ આઈસીસીને તેની મેચો ભારતને બદલે શ્રીલંકામાં ખસેડવા વિનંતી કરે. તેમને સ્પષ્ટ કર્યું કે જો બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતમાં રમવાની મંજૂરી ન આપી શકાય, તો તેઓ T20 વર્લ્ડકપ રમવા માટે તેમની આખી ટીમને ભારત નહીં મોકલે.
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશ પણ શ્રીલંકામાં રમશે?
ભારતે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવાની ના પાડી હતી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાની મેચ દુબઈમાં યોજાઈ હતી. પાકિસ્તાને 2026ના T20 વર્લ્ડકપ માટે ભારત આવવાની ના પાડી હતી, જેના કારણે તેમની મેચ શ્રીલંકામાં યોજાશે. જો ICC બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની વિનંતી સ્વીકારે છે, તો તેમની બધી મેચ કોલકાતાથી શ્રીલંકામાં ખસેડી શકાય છે. હવે શેડ્યૂલ મોટા ફેરફારોની અપેક્ષા છે.
આ પણ વાંચો: IND Vs NZ: મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયા માટે તક ન મળતાં હેડ કોચ ગુસ્સે, કહ્યું- 'તેની સાથે અન્યાય...'