ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઈને ઘણો તણાવ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશે ICCને બે પત્રો લખીને તેમની T20 વર્લ્ડકપ 2026 મેચો ભારતની બહાર ખસેડવાની વિનંતી કરી છે. ત્યારથી બંને દેશોમાંથી ઘણી વાતો થઈ રહી છે.


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર નઝમુલ ઈસ્લામે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તમીમ ઈકબાલને ભારતીય એજન્ટ ગણાવ્યો હતો. આ પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નઝમુલ ઈસ્લામને ફાઈનાન્સ કમિટીના હેડ પદ પરથી પણ દૂર કર્યા છે.

ક્રિકેટ મેચને બોયકોટ કરવામાં આવી

નઝમુલ ઈસ્લામે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાંથી ખસી જાય છે, તો તેનાથી BCBને કોઈ આર્થિક નુકસાન થશે નહીં, પરંતુ ખેલાડીઓને નુકસાન સહન કરવું પડશે કારણ કે તેમને તેમની મેચ ફી મળશે નહીં. આ પછી તેને તમીમ ઈકબાલ માટે પણ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો.

આ પછી બાંગ્લાદેશી ખેલાડીઓ એક્શનમાં આવ્યા અને ક્રિકેટ મેચોનો બોયકોટ કરવાની જાહેરાત કરી. ખેલાડીઓએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ મેચોમાં પણ ભાગ લીધો ન હતો. ત્યારબાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ઘણા અધિકારીઓએ બાંગ્લાદેશના ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ મિથુન સાથે પણ મુલાકાત કરી. પરંતુ તેમની માગ સ્પષ્ટ હતી કે નઝમુલ ઈસ્લામને પદ પરથી હટાવવામાં આવે.

બીસીબી પ્રમુખ નાણાકીય સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે તાજેતરની ઘટનાઓની સમીક્ષા કર્યા પછી બોર્ડે સંસ્થાના શ્રેષ્ઠ હિતમાં, તાત્કાલિક અસરથી નાઝમુલ ઈસ્લામને નાણાકીય સમિતિના અધ્યક્ષ તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ BCB પ્રમુખ આગામી સૂચના સુધી નાણાકીય સમિતિના કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા સંભાળશે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે બીસીબીના ખેલાડીઓનું કલ્યાણ તેમની ટોપ પ્રાથમિકતા છે. બોર્ડ તેના અધિકારક્ષેત્ર હેઠળના તમામ ખેલાડીઓના સન્માન અને ગરિમા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં બોર્ડને આશા છે કે ખેલાડીઓ હવે BPLમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરશે.

આ પણ વાંચો: Bangladesh Cricket Board પોતાની જ જાળમાં ફસાયું, ખેલાડીઓએ ક્રિકેટ મેચને કરી બોયકોટ



  • Follow us on: