બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના વનડે ક્રિકેટ ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.


તાજેતરના સમયમાં એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી હતી કે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ પછી બંને ખેલાડીઓ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ રાજીવ શુક્લાએ આ બધી અટકળોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે કોહલી અને રોહિત હજુ પણ ભારતીય વનડે ટીમનો ભાગ છે.

યુપી T20 લીગ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને વિરાટ કોહલી અને રોહિત શર્માની સંભવિત ફેરવેલ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે "તેઓ ક્યારે નિવૃત્ત થયા? રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને હાલમાં ODI રમી રહ્યા છે. જો તેઓ રમી રહ્યા છે, તો પછી હવે ફેરવેલ વિશે કેમ વાત કરવી? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારી નીતિ સ્પષ્ટ છે, BCCI ક્યારેય કોઈ ખેલાડીને નિવૃત્તિ લેવાનું કહેતું નથી. આ નિર્ણય ખેલાડીએ પોતે લેવાનો હોય છે."

સંપૂર્ણપણે ફિટ છે વિરાટ કોહલી

રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું કે બંને સિનિયર ખેલાડીઓ શાનદાર ફોર્મ અને ફિટનેસમાં છે અને ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેમને કહ્યું કે તમે લોકો પહેલાથી જ વિદાય વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. વિરાટ કોહલી સંપૂર્ણપણે ફિટ છે, તેની રમત ચાલુ છે. રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. સમય આવશે ત્યારે જોઈશું, પરંતુ અત્યારે એ નક્કી છે કે બંને રમશે.

ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે વિરાટ અને રોહિતની જોડી

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને T20Iમાંથી સંન્યાસ લઈ લીધો છે. સ્ટાર ખેલાડીઓ 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં જોવા મળશે. રોહિત શર્મા ભૂતપૂર્વ ભારતીય આસિસ્ટન્ટ કોચ અને તેના નજીકના મિત્ર અભિષેક નાયર સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, જ્યારે વિરાટ કોહલી લંડનના લોર્ડ્સના મેદાન પર ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વર્ષે જૂનમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. બંને ખેલાડીઓએ આ પહેલા T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે બંને દિગ્ગજ ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન ODI ક્રિકેટ પર છે.


  • Follow us on: