ઈંગ્લેન્ડમાં હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમાઈ રહી છે. ભારતના ઘણા ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. સાઈ કિશોરે સરે તરફથી ડરહામ સામે રમાઈ રહેલી મેચમાં પણ ભાગ લીધો હતો.
સાઈ કિશોરે પોતાની સ્પિન બોલિંગથી ઈંગ્લિશ બેટ્સમેનોને ખૂબ જ હેરાન કર્યા હતા અને 5 વિકેટ લઈને સરે માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને પહેલી ઈનિંગમાં ખાસ કંઈ કર્યું ન હતું. પરંતુ બીજી ઈનિંગમાં આ બોલરે પાંચ વિકેટ ઝડપી હતી.
સાઈ કિશોરે લીધી 5 વિકેટ
આ મેચ 29 જુલાઈથી સરે અને ડરહામ વચ્ચે રમાઈ રહી છે. આ મેચની પહેલી ઈનિંગમાં સાઇ કિશોરે 12 ઓવર ફેંકી અને 2 વિકેટ લીધી. પરંતુ બીજી ઈનિંગમાં તેને પોતાની બોલિંગથી ધૂમ મચાવી અને ટીમ માટે સૌથી વધુ બોલિંગ પણ કરી. તેને 41.4 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી. તેને 1.70 ના ઈકોનોમી રેટ સાથે ફક્ત 72 રન આપ્યા.
સાઈ કિશોરની બોલિંગ ખૂબ જ ચર્ચામાં આવી છે. આ પહેલા સાઈ કિશોરે IPL 2025માં ધૂમ મચાવી હતી. તે સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યો છે. સાઈ કિશોર સિવાય બેન રેઈન્સે પણ ડરહામ માટે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.
આ છે મેચની સ્થિતિ
ડરહામે પહેલા બેટિંગ કરતા 55.1 ઓવરમાં 153 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સરેએ 68.1 ઓવરમાં 322 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પછી ડરહામે બીજી ઈનિંગમાં 344 રન બનાવ્યા હતા. હવે સરેને આ મેચ જીતવા માટે 176 રન બનાવવા પડશે. સમાચાર લખાય ત્યાં સુધી સરેએ 8.1 ઓવરમાં 30 રન બનાવી લીધા છે.
યુઝવેન્દ્ર ચહલે લીધી 6 વિકેટ
આ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડર્બીશાયર સામેની મેચમાં યુઝવેન્દ્ર ચહલે પોતાની જૂની સ્ટાઈલ બતાવી છે. તેને ડર્બીશાયર સામે શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે 116 રન આપ્યા. તેના ઘાતક પ્રદર્શનને કારણે આખી ડર્બીશાયર ટીમ 377 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે યુઝવેન્દ્ર ચહલે ત્રણ ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી છે.