ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નર ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે વિવાદ તેના બેટથી નથી થઈ રહ્યો. હકીકતમાં ડેવિડ વોર્નરના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં વોર્નરે પોતે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે તે નશામાં હતો.
શું છે આખો મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ ડેવિડ વોર્નરે પોલીસને જણાવ્યું હતું કે તે ઈસ્ટર સન્ડેના રોજ એક મિત્ર સાથે હતો અને વાહન ચલાવતા પહેલા તેને 3 ગ્લાસ વાઈન પીધી હતી. તે પછી તે સિડનીના મારુબ્રા સ્થિત તેના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રેન્ડમ બ્રીથ-ટેસ્ટિંગ ચેકિંગ દરમિયાન અટકાવ્યો.
પોલીસ અધિકારીઓએ ચેકપોઈન્ટની સામે એક વાન ઉભી રહેલી જોઈ અને પછી તપાસ કરવા માટે વાહન પાસે ગયા. ટેસ્ટમાં ડેવિડ વોર્નરનું આલ્કોહોલ લેવલ પોઝિટિવ આવ્યું.
ડેવિડ વોર્નરને સિડનીના મારુબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો
ત્યારબાદ ડેવિડ વોર્નરને સિડનીના મારુબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં પરીક્ષણોમાં તેના લોહીમાં આલ્કોહોલનું સ્તર 0.104 હોવાનું બહાર આવ્યું, જે કાનૂની મર્યાદા કરતા બમણાથી વધુ છે.
હવે તેના પર મિડ રેન્જ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને 7 મેના રોજ ડાઉનિંગ સેન્ટર સ્થાનિક કોર્ટમાં હાજર થવાનું છે. જો ડેવિડ વોર્નર દોષિત ઠરે છે, તો તેના કરિયર અને બ્રાન્ડ ડીલ્સ પર અસર પડી શકે છે.
7 મેના રોજ યોજાશે કોર્ટની સુનાવણી
આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ડેવિડ વોર્નર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં એક્ટિવ છે. તે હાલમાં 2026 પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સનો કેપ્ટન છે. તે ટુર્નામેન્ટના બ્રેક દરમિયાન ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો હતો.
તેને તાજેતરમાં 2 એપ્રિલે લાહોરમાં અડધી સદી ફટકારી હતી. જો વોર્નર આ કેસમાં દોષિત ઠરે છે, તો તે તેના કોર્મશિયલ કોન્ટ્રાક્ટ અને પ્રોફેશનલ કરિયરને અસર કરી શકે છે. હવે બધાની નજર 7 મેના રોજ યોજાનારી કોર્ટ સુનાવણી પર છે.
ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. તેને 112 ટેસ્ટ મેચમાં 8786 રન બનાવ્યા હતા, જેમાં તેની બેસ્ટ ઈનિંગ પાકિસ્તાન સામે અણનમ 335 રન હતી. પરંતુ તેનું કરિયર વિવાદોથી ઘેરાયેલું છે.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો