દુલીપ ટ્રોફી 2025ની બીજી સેમીફાઈનલમાં સદી ફટકારીને ઋતુરાજ ગાયકવાડે સિલેક્ટર્સને ફોર્મમાં પાછા ફરવાનો સંદેશ આપ્યો છે. વેસ્ટ ઝોન માટે રમતા ઋતુરાજે દબાણ હેઠળ એક અદ્ભુત ઈનિંગ રમી. જ્યારે ઋતુરાજ મેદાન પર આવ્યો ત્યારે ટીમ 10 ના સ્કોર પર 2 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી.


આ પછી ઋતુરાજે આર્ય દેસાઈ સાથે ત્રીજી વિકેટ માટે 82 રન બનાવ્યા અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને પોતાની સદી પૂર્ણ કરી. ટી બ્રેક સુધી ઋતુરાજ 121 રન બનાવીને ક્રીઝ પર ઉભો છે.

સંકટમોચક બન્યો ઋતુરાજ ગાયકવાડ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલા વેસ્ટ ઝોનની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ બેટિંગમાં નિષ્ફળ ગયો અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો. હાર્વિક દેસાઈ માત્ર 1 રન બનાવીને દીપક ચહરનો શિકાર બન્યો. 10 રનના સ્કોર પર 2 વિકેટ પડી ગયા બાદ ઋતુરાજ ગાયકવાડ મેદાનમાં આવ્યો.


ઋતુરાજે ટીમની ખરાબ શરૂઆતની ઈનિંગને ખૂબ સારી રીતે સંભાળી. આર્ય સાથે અડધી સદીની પાર્ટનરશીપ કર્યા બાદ ઋતુરાજે શ્રેયસ ઐયર સાથે પણ મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. શ્રેયસ ઐયર 28 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો.

ઋતુરાજ ગાયકવાડે એક છેડે ઊભા રહીને શાનદાર બેટિંગ કરતા 131 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. ટી બ્રેક સુધી ઋતુરાજે 157 બોલનો સામનો કરીને 121 રન બનાવ્યા છે. રાઈટ હેન્ડના આ બેટ્સમેનએ પોતાની ઈનિંગમાં 16 ચોગ્ગા ફટકાર્યા છે. ઈજામાંથી વાપસી કર્યા બાદ ઋતુરાજે આ પહેલા બુચી બાબી ટુર્નામેન્ટમાં પણ સદી ફટકારી હતી.

ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું હજુ પણ મુશ્કેલ છે

ઋતુરાજ ગાયકવાડની સદી સિલેક્ટર્સને વિચારવા મજબૂર કરે છે, પરંતુ ટેસ્ટ ટીમમાં તેમનો માર્ગ હજુ પણ સરળ નથી. ભારત પાસે પહેલાથી જ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ જેવા વિશ્વસનીય ઓપનર છે. નંબર 3 અને 4 પર બેટ્સમેનોનું સ્થાન પણ નિશ્ચિત છે. આ પરિસ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડને ત્યારે જ તક મળી શકે છે જ્યારે સિલેક્ટર્સ નવા વિકલ્પો પર દાવ લગાવવા માગે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ

ઘરેલુ ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને અત્યાર સુધીમાં 38 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 41.97ની એવરેજ સાથે 2632 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. છેલ્લી રણજી ટ્રોફીમાં તેમણે માત્ર 5 ઈનિંગમાં 330 રન બનાવ્યા હતા. આવા આંકડા દર્શાવે છે કે ઋતુરાજ ગાયકવાડ લાંબા સમયથી સતત પ્રદર્શન કરી રહ્યો છે અને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાને પાત્ર છે.

  • Follow us on: