100 બોલની ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડની પાંચમી સીઝન 5 ઓગસ્ટથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહી છે, જેમાં 6 ઓગસ્ટે ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર માન્ચેસ્ટર ઓરિજિનલ્સ અને સધર્ન બ્રેવ વચ્ચે મેચ રમાઈ રહી છે.


આ મેચમાં સધર્ન બ્રેવ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 43 વર્ષના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનું નામ પણ માન્ચેસ્ટર ઓરિજિનલ્સ ટીમની પ્લેઈંગ 11માં સામેલ છે, જે ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરી રહ્યો છે. જેમ્સ એન્ડરસન પોતાના ક્રિકેટ કરિયરમાં પહેલીવાર ફ્રેન્ચાઈઝી લીગમાં રમતો જોવા મળશે.

જેમ્સ એન્ડરસને કેમ કહી આ વાત

ટેસ્ટ ક્રિકેટના મહાન ફાસ્ટ બોલરોમાં ગણાતા જેમ્સ એન્ડરસન લાંબા સમયથી ઈંગ્લેન્ડની ટીમ માટે આ ફોર્મેટમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ધ હન્ડ્રેડમાં પોતાની ડેબ્યૂ મેચ પહેલા મીડિયા પર આપેલા નિવેદનમાં એન્ડરસને કહ્યું કે "મેં મારા કરિયરનો મોટાભાગનો સમય ટેસ્ટ ક્રિકેટ રમવામાં વિતાવ્યો છે.

મને આ ઉનાળામાં લેન્કેશાયર માટે રમવાની ખૂબ મજા આવી અને હવે હું આ ફોર્મેટમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને અહીં રમવાની તક આપવા બદલ હું દરેકનો આભારી છું, હું રમવા માટે સંપૂર્ણપણે ફિટ છું અને ફક્ત મારી રમતનો આનંદ માણવા માગુ છું. હું ટૂંક સમયમાં આ ફોર્મેટ શીખવાનો પ્રયાસ કરીશ જેથી હું સફળ થઈ શકું."

એન્ડરસને પોતાના કરિયરમાં ફક્ત 53 T20 મેચ રમી હતી

ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની વાત કરીએ તો તેના નિયમો T20 ફોર્મેટથી થોડા અલગ છે, જ્યાં એક ટીમને બેટિંગ માટે 100 બોલ મળે છે. T20 ફોર્મેટમાં જેમ્સ એન્ડરસનના રેકોર્ડ પર નજર કરીએ તો તેને તેની આખા કરિયરમાં અત્યાર સુધીમાં 53 મેચ રમી છે, જેમાં તે 27.03 ની એવરેજથી 58 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. જેમ્સ એન્ડરસનનો ઈકોનોમી રેટ 8.13 રહ્યો છે. તમને જણાવી દઈએ કે જેમ્સ એન્ડરસને 2025 ની IPL સીઝન માટે ખેલાડીઓના ઓક્શનમાં પણ પોતાનું નામ આપ્યું હતું, પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેને ટીમનો ભાગ બનાવવામાં રસ દાખવ્યો ન હતો.


  • Follow us on: