ઈંગ્લેન્ડ ક્રિકેટની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન માઈક સ્મિથનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમના ભૂતપૂર્વ કાઉન્ટી ક્લબ વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે 18 મેના રોજ તેમના અવસાનની માહિતી આપી હતી.
સ્મિથના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચશ્મા પહેરીને બેટિંગ કરતા માઈક સ્મિથ MJK તરીકે પણ પ્રખ્યાત હતા. તેમને ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ મેચ રમી હતી અને 25 મેચમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. ખાસ વાત એ છે કે તેમને માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ રગ્બી યુનિયનમાં પણ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને 1956માં વેલ્સ સામે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય રગ્બી મેચ પણ રમી હતી.
ભારત સામે પહેલી સદી
માઈક સ્મિથે 1958માં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 1972માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. પોતાની શાનદાર ફર્સ્ટ-ક્લાસ કરિયર દરમિયાન તેમને લગભગ 40,000 રન અને 72 સદી ફટકારી હતી, જેમાંથી 3 ટેસ્ટ ક્રિકેટમાં હતી. સ્મિથે 1959માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત સામે પોતાની પહેલી ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી.
https://twitter.com/WarwickshireCCC/status/2056320083320807546
મિડલ ઓર્ડરમાં આવ્યા પછી તેમની બેટિંગ કરિયર ખૂબ જ ખીલ્યું. કેપ્ટન તરીકેનો તેમનો રેકોર્ડ પણ પ્રભાવશાળી રહ્યો. 1963-64ના ભારતના પ્રવાસથી શરૂ થયેલી તેમની ટેસ્ટ કેપ્ટનશીપ દરમિયાન ઈંગ્લેન્ડે 25 મેચમાંથી 5 જીત અને 17 ડ્રો નોંધાવ્યા. તેમની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડને ફક્ત 3 હારનો સામનો કરવો પડ્યો.
વોરવિકશાયર ક્લબમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ સ્મિથ રમત સાથે સંકળાયેલા રહ્યા. તેમને પહેલા રેફરી તરીકે સેવા આપી અને બાદમાં 1991 થી 2003 સુધી વોરવિકશાયરના ચેરમેન બન્યા. તેમના કાર્યકાળને ક્લબનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ક્લબે 7 મુખ્ય ટાઈટલ જીત્યા, જેમાં સતત 2 કાઉન્ટી ચેમ્પિયનશિપ ટ્રોફીનો સમાવેશ થાય છે.
18 મેના રોજ વોરવિકશાયર અને ગ્લેમોર્ગન વચ્ચે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચના ચોથા દિવસે રમત શરૂ થાય તે પહેલાં માઈક સ્મિથને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વોરવિકશાયર ક્લબે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે "વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબને આપણા દિગ્ગજ, એમજેકે સ્મિથના 92 વર્ષની વયે અવસાનની જાહેરાત કરતાં દુઃખ થાય છે."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?